હોમ ઓફિસે નિષ્ણાત જ્ઞાન વિના જ વિદ્યાર્થીઓ પર છેતરપીંડીના આરોપ લગાવ્યા

ઈંગ્લિશ ભાષાની પરીક્ષા સંદર્ભે સરકારી વોચડોગ NAOના રિપોર્ટમાં હોમ ઓફિસની આકરી ટીકાઃ યુકેની કોર્ટ્સમાં ૧૨,૫૦૦ અપીલની સુનાવણીમાં અત્યાર સુધી ૩,૬૦૦ લોકોનો વિજય

Monday 27th May 2019 02:57 EDT
 
 

લંડનઃ વિઝા એપ્લિકેશન પ્રોસેસના ભાગરુપે આવશ્યક ઈંગ્લિશ ભાષાની પરીક્ષા આપનારા ભારતીય સહિતના હજારો વિદ્યાર્થીઓ સામે ખોટી રીતે આરોપ લગાવાયો હોઈ શકે તેમ સરકારી વોચડોગ ધ નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના રિપોર્ટમાં જણાવાયું છે. NAO એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પર છેતરપીંડીના આરોપ લગાવવા ઉપયોગમાં લેવાયેલા ડેટાને તપાસવાનું નિષ્ણાત જ્ઞાન હોમ ઓફિસ પાસે ન હતું. છેતરપીંડીના આરોપ લગાવાયેલા હજારો વિદ્યાર્થીઓને યુકેમાંથી બળજબરીથી દૂર કરાયા હતા અથવા અટકાયત અને દૂર કરવાની ધમકી પછી તેઓ દેશ છોડી ગયા હતા.

સરકારી વોચડોગે ઈંગ્લિશ ભાષાની પરીક્ષામાં છેતરપીંડીના આરોપ લગાવાયેલા હજારો વિદ્યાર્થીઓને રક્ષણ આપવામાં હોમ ઓફિસ નિષ્ફળ રહી હોવાની ટીકા કરી છે. પરીક્ષામાં છેતરપીંડીના આરોપ પછી આશરે ૨,૫૦૦ વિદ્યાર્થીઓને ફરજિયાત દેશ છોડાવાયો હતો અને વધુ ૭,૨૦૦ વિદ્યાર્થીઓ અટકાયત અને દેશપાર કરવાની ચેતવણી અપાયા પછી યુકે છોડી ગયા હતા. ઘણા લોકોએ નિર્દોષ હોવાનો વિરોધ કર્યો હતો અને યુકેની કોર્ટ્સમાં ૧૨,૫૦૦ અપીલની સુનાવણી કરાઈ હતી, જેમાં અત્યાર સુધી ૩,૬૦૦ લોકોનો વિજય થયો છે. ઈંગ્લિશ ભાષાની પરીક્ષામાં છેતરપીંડીના રિપોર્ટ્સમાં હોમ ઓફિસના પ્રત્યાઘાતોની તપાસમાં NAO દ્વારા જણાવાયું છે કે કેટલાક લોકો સામે ખોટા આરોપ લગાવાયા હોઈ શકે અને અન્યાયી રીતે દેશપાર કરાયા હોઈ શકે છે.

હોમ ઓફિસ દ્વારા આ પરીક્ષા માટે માન્ય ૯૦માંથી બે સેન્ટરમાં વ્યવસ્થિત ચોરી થતી હોવાનો ૨૦૧૪ના અંડરકવર પેનોરમાં કાર્યક્રમમાં ઘટસ્ફોટ થયા પછી સરકારે ૨૦૧૧ અને ૨૦૧૪ વચ્ચે લેવાયેલી ૫૮,૪૫૯ પરીક્ષાઓ માન્ય છે કે કેમ તેની પૂછપરછ પરીક્ષાની યુએસસ્થિત સંચાલક એજ્યુકેશનલ ટેસ્ટિંગ સર્વિસ (ETS)ને કરી હતી. યુએસ કંપનીએ તપાસ કર્યા પછી યુકેની ૯૭ ટકા પરીક્ષા શંકાસ્પદ હોવાનું ઠરાવ્યું હતું અને ૫૮ ટકાને અમાન્ય ગણાવી ૩૯ ટકાને વધુ શંકાસ્પદ ગણાવી હતી. આ પછી ટેસ્ટ ઓફ ઈંગ્લિશ ફોર ઈન્ટરનેશનલ કોમ્યુનિકેશન (Toeic) આપનારા ૯૭ ટકા પરીક્ષાર્થી છેતરપીંડીમાં સંકળાયેલા હોઈ શકે કે કેમ?નો પ્રશ્ન ઉઠાવાયો હતો.

ETSદ્વારા તપાસની હોમ ઓફિસથી ચકાસણીથી NAO જરા પણ પ્રભાવિત થઈ ન હતી. વોચડોગે સ્પષ્ટ કર્યું હતું કે કોણે છેતરપીંડી કરી છે તેના નિર્ણય કરવામાં ઉપયોગમાં લેવાયેલા પુરાવાઓની ગુણવત્તા અને વ્યક્તિઓ સામે કાર્યવાહીના હોમ ઓફિસના ડેટાના કારણે છેતરપીંડીનું ચોક્કસ પ્રમાણ અથવા કેટલાં નિર્દોષ લોકો પર ભૂલથી આરોપ લગાવાયો તેનો અંદાજ કાઢવો હજુ પણ મુશ્કેલ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter