લંડન: હોમ ઓફિસ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બ્રિટિશ પાસપોર્ટ અને વિદેશી વિદ્યાર્થીઓના વિઝા માટે નિર્ધારિત મર્યાદા કરતા વધુ ફી વસૂલવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ વહીવટી છબરડાને સુધારવા માટે હવે સરકાર કિંગ્સ સ્પીચનો ઉપયોગ કરશે, જેમાં વર્ષ 2023થી વધારવામાં આવેલી ફીને પશ્ચાતવર્તી અસરથી કાયદેસર કરવા માટે નવું વિધેયક લાવવામાં આવશે.
જો સરકાર નવો કાયદો પસાર ન કરે, તો હોમ ઓફિસને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં, 2023થી યુકેમાં અભ્યાસ કરવા આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અંદાજે 120 મિલિયન પાઉન્ડ પરત કરવા પડી શકે તેમ છે. આ ઉપરાંત, સમાન સમયગાળા દરમિયાન બ્રિટિશ પાસપોર્ટ ધારકો પાસેથી વસૂલવામાં આવેલી વધારાની રકમ પણ પરત કરવી પડશે, જેનો આંકડો હજુ અસ્પષ્ટ છે.
માહિતી મુજબ 2023થી સ્ટુડન્ટ વિઝાની ફીમાં 54 ટકાનો વધારો થયો છે, જે 363 પાઉન્ડથી વધીને 558 પાઉન્ડ થઈ ગઈ છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ પેટે પણ 470 પાઉન્ડને બદલે 776 પાઉન્ડ ચૂકવવા પડ્યા છે. પાસપોર્ટ ફીમાં પણ 25 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો, જે 82.50 પાઉન્ડથી વધીને 102 પાઉન્ડ થઈ હતી.
હાઉસ ઓફ લોર્ડ્સની સેકન્ડરી લેજિસ્લેશન કમિટી દ્વારા આ ક્ષતિ શોધી કાઢવામાં આવી હતી. સમિતિના જણાવ્યા અનુસાર, હોમ ઓફિસે જરૂરી કાયદાકીય પીઠબળ કે સંસદીય મંજૂરી વિના જ ઇમિગ્રેશન સેવાઓની ફીમાં વધારો કરી દીધો હતો.


