હોમ સેક્રેટરી રાજ્યાશ્રય વાંચ્છુઓ માટે નવો કરાર કરવા રવાન્ડા પહોંચ્યા

આગામી ચૂંટણી પહેલાં રવાન્ડા ડિપોર્ટેશન ફ્લાઇટ શરૂ થઇ જશેઃ ઇમિગ્રેશન મિનિસ્ટર

Tuesday 05th December 2023 11:03 EST
 
 

લંડનઃ સુનાક સરકારની રવાન્ડા યોજનાને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવ્યા બાદ હવે બ્રિટિશ હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલી યુકેમાં રાજ્યાશ્રય માગનારાને આફ્રિકન દેશમાં મોકલી આપવા માટે નવો કરાર કરવા રવાન્ડાની મુલાકાતે પહોંચ્યા છે. બ્રિટનમાં ઇમિગ્રેશન ઘટાડવા માટેની સુનાક સરકારની વ્યૂહરચનામાં રવાન્ડા યોજના કેન્દ્ર સ્થાને છે. યુરોપના અન્ય દેશો પણ આ પ્રકારની નીતિ વિચારી રહ્યાં હોવાથી તેના પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા મહિને આપેલા ચુકાદામાં યુકેની સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ યોજના ઘરેલુ કાયદામાં જેનો ઉલ્લેખ કરાયો છે તેવા આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. આ ચુકાદા બાદ સુનાક સરકાર રવાન્ડા સાથેના તેના કરારને નવું સ્વરૂપ આપવા ઇચ્છે છે. યુકે દ્વારા મોકલાયેલા રાજ્યાશ્રય માગનારાન રવાન્ડાની સરકાર દેશનિકાલ કરે તે સુપ્રીમ કોર્ટની મુખ્ય ચિંતાનો વિષય હતો.

રવાન્ડાની રાજધાની પહોંચેલા ક્લેવરલી વિદેશમંત્રી વિન્સેન્ટ બિરૂતા સાથે નવા કરાર પર હસ્તાક્ષર કરશે. બીજીતરફ ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, આગામી સંસદની ચૂંટણી પહેલાં રવાન્ડા ડિપોર્ટેશન ફલાઇટ શરૂ થઇ જશે.

ઇમિગ્રન્ટ્સ પર વધુ આકરા નિયંત્રણ લદાશેઃ રોબર્ટ જેનરિક

ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે, સરકાર યુકે આવી રહેલા માઇગ્રન્ટ્સને અટકાવવા અને નેટ માઇગ્રેશનની સંખ્યા ઘટાડવા વધારાના નિયંત્રણો લાદી શકે છે. બિઝનેસ અને કેર સેક્ટરમાં કામદારોની અછતની ચિંતાઓ છતાં દર વર્ષે યુકેમાં કાયદેસર રીતે આવતા વિદેશીઓની સંખ્યા પર મર્યાદા લાદવા માટેના વ્યાજબી કારણો છે. ટોરી પાર્ટીએ 2019ના ચૂંટણી ઢંઢેરામાં પણ નેટ માઇગ્રેશન ઘટાડવાનું વચન આપ્યું હતું. સરકાર આ વચન પુરું કરવા પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter