લંડનઃ રૂશનઆરા અલીને લેબર સરકારમાં હોમલેસ મિનિસ્ટરપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી છે. ઇસ્ટ લંડનમાં આવેલી તેમની પ્રોપર્ટીના ભાડૂઆતોને મકાન ખાલી કરાવી દેવાના વિવાદમાં સપડાયેલા રૂશનઆરા અલીએ ગુરુવારે સાંજે વડાપ્રધાન સર કેર સ્ટાર્મરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ભારે હૃદય સાથે હું રાજીનામુ આપી રહી છું.
રૂશનઆરા અલીએ ઇસ્ટ લંડનની તેમની પ્રોપર્ટીમાં રહેતા 4 ભાડૂઆતોને સડક પર લાવી દીધાં છે. ભાડામાં પ્રતિ માસ 700 પાઉન્ડનો વધારો મેળવવા માટે તેમણે આ કૃત્ય કર્યું છે. આ પહેલાં લેબર સાંસદે ભાડૂઆતોના શોષણ અંગે સુફિયાણી વાતો કરતાં જણાવ્યું હતું કે, અમારી સરકાર ભાડામાં કરાતા ગેરવ્યાજબી વધારાને પડકાર આપવા જનતાને અધિકારો આપશે.
અલીએ જણાવ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માગુ છું કે મેં તમામ કાયદાકીય જરૂરીયાતોનું પાલન કર્યું છે. મેં મારી ફરજો અને જવાબદારીઓ ગંભીરતાથી નિભાવી છે અને હકીકતો તેનો પુરાવો છે. જોકે મારા પર મૂકાયેલા આરોપોના કારણે સરકારની કામગીરીમાં અવરોધ પહોંચી શકે છે તેથી મેં રાજીનામુ આપવાનો નિર્ણય લીધો છે.
લેબર સરકારના રેન્ટર્સ રાઇટ્સ બિલમાં પણ જોગવાઇ કરાઇ છે કે જે મકાન માલિકોએ સંપત્તિના વેચાણ માટે મકાન ખાલી કરાવ્યું હશે તેઓ ભાડૂઆત મકાન ખાલી કરીને જતા રહે તેના 6 મહિના બાદ જ વધુ ભાડાની માગ સાથે રિલિસ્ટિંગ કરી શકશે. આ કાયદો આગામી વર્ષથી અમલમાં આવી રહ્યો છે.