લંડનઃ દાયકાઓ સુધી ન્યાયની કસુવાવડથી પીડિત હોરાઇઝન આઇટી સ્કેન્ડલનો ભોગ બનેલા પૂર્વ પોસ્ટ સબપોસ્ટમાસ્ટરોને ક્લીન ચીટ આપતાં સર વિન વિલિયમ્સના નેતૃત્વ હેઠળની ઇન્કવાયરી દ્વારા મંગળવારે રિપોર્ટનો પ્રથમ હિસ્સો જારી કરાયો હતો. ઇન્કવાયરી દ્વારા 3 વર્ષ કરતાં વધુ સમયમાં 298 સાક્ષી અને 2.2 મિલિયન દસ્તાવેજોની ચકાસણી બાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે.
ઇન્કવાયરીના રિપોર્ટમાં પોસ્ટ ઓફિસના વડાઓને સંપુર્ણપણે દોષી ઠેરવતાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ જાણતા હતા કે હોરાઇઝન આઇટી સિસ્ટમ ખામીયુક્ત છે અથવા તો તેમને જાણકારી હોવી જોઇતી હતી. તેમ છતાં પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ એવી કલ્પનામાં રાચતા રહ્યાં હતાં કે બ્રાન્ચ ઓફિસ એકાઉન્ટિંગ સિસ્ટમ સચોટ રીતે કામ કરી રહી છે. 2010 પછી અમલી બનાવાયેલી નવી હોરાઇઝન ઓનલાઇન સિસ્ટમ પણ કાલ્પનિક હિસાબી ગેરરિતી દર્શાવી શકે છે તેવી જાણકારી પોસ્ટ ઓફિસ અને ફુજિત્સુના કર્મચારીઓને હતી.
નિવૃત્ત જજ એવા સર વિલિયમ્સે રિપોર્ટમાં જણાવ્યું છે કે પોસ્ટ ઓફિસ અને ફુજિત્સુના તદ્દન અસ્વીકાર્ય વલણને કારણે પોસ્ટ માસ્ટરોને ભયાનક પરિણામો ભોગવવા પડ્યાં હતાં. ડઝનો પીડિતો માનસિક બીમારીઓનો ભોગ બન્યાં હતાં તો હતાશામાં દારૂના બંધાણી બની ગયાં હતાં. ઘણા કિસ્સામાં છૂટાછેડાની નોબત આવી હતી અને 13 કેસમાં તો પોસ્ટમાસ્ટરોએ આત્મહત્યા કરી લીધી હતી. અન્ય 59 પીડિતે પોતાનું જીવન ટૂંકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
સર વિલિયમ્સે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ અને સરકાર યોગ્ય આર્થિક વળતર ચૂકવવા આડેની મુશ્કેલીઓ દૂર કરવામાં પણ નિષ્ફળ રહી છે. સરકારની ફ્લેગશિપ હોરાઇઝન શોર્ટફોલ સ્કીમ અંતર્ગતના 10,000 દાવેદારોને પુરતું અને ન્યાયી વળતર ચૂકવાયું નથી. પોસ્ટ ઓફિસ અને તેના સલાહકારોએ વિરોધાભાસી વલણ અપનાવી પોસ્ટમાસ્ટરોને ઘણું ઓછું વળતર મળે તેવી ઓફર આપી હતી. તેના વકીલોએ પણ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. પોસ્ટ માસ્ટરોને વળતર મેળવવા માટે કોઇપણ પેઇડ લીગલ એડવાઇસના અભાવમાં સરકારી વકીલોનો સામનો કરવાની ફરજ પડાઇ હતી.
સર વિલિયમ્સ ઇન્કવાયરીની અરજન્ટ ભલામણો કરવામાં આવી છે જે અંતર્ગત વળતર યોજનાઓનું વિસ્તરણ પીડિત પોસ્ટમાસ્ટરોની પત્ની, પતિ, બાળકો અને વાલીઓ સુધી કરવા અને પીડિતોને વિનામૂલ્યે કાયદાકીય સહાય અને સલાહ ઉપલબ્ધ કરાવવાજણાવવામાં આવ્યું છે.
સબ પોસ્ટમાસ્ટરોને સંપુર્ણ ન્યાય માટે સરકાર પ્રતિબદ્ધઃ જોનાથાન રેનોલ્ડ્સ
બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે ઇન્કવાયરી કમિટીના રિપોર્ટને આવકારતાં જણાવ્યું હતું કે, સરકાર પીડિત સબ પોસ્ટમાસ્ટરોને સંપુર્ણ ન્યાય અને વળતર માટે પ્રતિબદ્ધ છે. રિપોર્ટમાં કરાયેલી ભલામણો પર કાળજીપુર્વકના પગલાં જરૂરી છે. સરકાર આ ભલામણોનો યોગ્ય પ્રત્યુત્તર સંસદમાં આપશે.
ઇન્કવાયરી રિપોર્ટ યોગ્ય માર્ગદર્શિકા બની રહેશેઃ પોસ્ટ ઓફિસ મિનિસ્ટર
પોસ્ટ ઓફિસ મિનિસ્ટર ગેરેથ થોમસે જણાવ્યું હતું કે, રિપોર્ટમાં પોસ્ટ ઓફિસ અને વિવિધ સરકારોની નિષ્ફળતા ઉજાગર કરાઇ છે. પોસ્ટમાસ્ટરોને યોગ્ય ન્યાય મળે તે માટે ઇન્કવાયરી રિપોર્ટ યોગ્ય માર્ગદર્શિકા બની રહેશે.


