લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં તપાસ કરી રહેલી સમિતિને મહત્વના દસ્તાવેજો ઉપલબ્ધ નહીં કરાવનાર પોસ્ટ ઓફિસના અધિકારીઓને જેલ ભેગા કરવાની ચેતવણી આપવામાં આવી છે. વારંવાર માગ કરાયા છતાં દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં અધિકારીઓ નિષ્ફળ જતાં તપાસ સમિતિના અધ્યક્ષ દ્વારા આ અલ્ટીમેટમ અપાયું છે.
પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી ઇન્કવાયરીના અધ્યક્ષ સર વેયન વિલિયમ્સે જાહેરાત કરી હતી કે હવે સરકારી માલિકીની પોસ્ટ ઓફિસ પાસે કાયદા અંતર્ગત ફરજિયાત પુરાવાની માગ કરાશે અને જો તેમાં નિષ્ફળ જશે તો અધિકારીઓને 51 સપ્તાહની જેલ થઇ શકે છે.
પોસ્ટ ઓફિસ દ્વારા આ સ્કેન્ડલની સામે જે રીતે પગલાં લેવાયાં છે તેનાથી તપાસ સમિતિના અધ્યક્ષ ઘણા નારાજ છે. આ સ્કેન્ડલના આરોપસર વર્ષ 2000થી 2013 વચ્ચે સેંકડો પોસ્ટમાસ્ટર પર ખોટી રીતે ખટલા ચલાવીને દોષી ઠેરવાયાં હતાં. યુકેના ઇતિહાસમાં ન્યાયની આ સૌથી મોટી કસુવાવડ મનાય છે. હજુ પણ સેંકડો પોસ્ટમાસ્ટર વળતર ચૂકવાય તેની રાહ જોઇને બેઠાં છે.
પોસ્ટ ઓફિસની લીગલ ટીમ ઇન્કવાયરીને દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ ગયા બાદ આ પગલું લેવાયું છે.


