લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોના પરિવાર બરબાદ તો થઇ ગયાં તે ઉપરાંત પરિવારના નાના બાળકોએ પણ ઘણું સહન કરવું પડ્યું હતું. આદિ મિશ્રા 11 નવેમ્બર 2010ના દિવસને ક્યારેય ભૂલી શક્તા નથી. આ તેમનો 10મો જન્મદિવસ હતો અને તેમની માતા સીમા મિશ્રા 8 સપ્તાહની ગર્ભવતી હતી. તે જ દિવસે પોસ્ટ ઓફિસ બ્રાન્ચમાં 74000 પાઉન્ડની ગેરરિતીના આરોપસર ગિલ્ડફોર્ડ ક્રાઉન કોર્ટ દ્વારા સીમા મિશ્રાને દોષી ઠેરવાયાં હતાં.
આજે 24 વર્ષના આદિ મિશ્રા કહે છે કે હું શાળાએથી ઘેર આવ્યો ત્યારે કોઇ નહોતું. મારા પિતા ઘેર આવ્યા ત્યારે તેમના શરીર પર મારની ઇજાઓ હતી. તેમના પર લોકો દ્વારા હુમલા કરાયા હતા. મારા ઘણા મિત્રોએ મારો સાથ છોડી દીધો હતો.
ઇન્કવાયરીના પ્રથમ રિપોર્ટ બાદ પીડિત પોસ્ટમાસ્ટરોના ઘણા સંતાનોએ પણ રાહત અનુભવી છે તેમ છતાં તેઓ સહન કરેલી યાતનાઓના ટ્રોમામાંથી બહાર આવી શક્તાં નથી. આદિ મિશ્રા કહે છે કે તમે ઘડિયાળના કાંટા પાછા ફેરવી શક્તા નથી. નુકસાન તો થઇ જ ચૂક્યું હતું. હું 18 વર્ષનો થયો ત્યાં સુધી મારા માતાપિતાએ સંપુર્ણ વિતકકથા મને કહી નહોતી. પરંતુ આ સ્કેન્ડલે મારું બાળપણ છીનવી લીધું હતુ. મારે દરેક સિઝનમાં ક્રિકેટ ક્લબ બદલી નાખવી પડતી હતી. મારે શાળા પણ બદલવી પડી હતી કારણ કે મને લોકો સીમા મિશ્રાના પુત્ર તરીકે ઓળખતા હતા.
આદિ મિશ્રા કહે છે કે મારો પરિવાર સમૃદ્ધ હતો. અમે વીકએન્ડમાં સિનેમા અને ઘણી પિકનિક કરતાં. પરંતુ અચાનક બધું બદલાઇ ગયું હતું. બર્થ ડે પાર્ટી પણ ઉજવી શક્તો નહોતો કારણ કે મિત્રોને આમંત્રિત કરી શક્તો નહોતો.