હોરાઇઝન કૌભાંડમાં દોષી ઠરેલા રૂપપ્રીત ગિલ ફરી પોસ્ટમાસ્ટર બનવા પ્રતિબદ્ધ

હું ગર્વથી માથુ ઊંચુ રાખીને જીવવા અને એ સાબિત કરવા માગુ છું કે મેં કોઇ ખોટું કામ કર્યું નથીઃ રૂપપ્રીત ગિલ

Thursday 02nd January 2025 01:07 EST
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા બર્મિંગહામ સ્થિત ભારતીય મૂળના પોસ્ટમાસ્ટર રૂપપ્રીત ગિલે ફરી એકવાર તેમનો હોદ્દો હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. ગિલ હેડ્સવર્થમાં વોટવિલે રોડ સબ પોસ્ટમિસ્ટ્રેસ તરીકે પોસ્ટઓફિસનો ચાર્જ સંભાળતા હતા. તેમને 38,000 પાઉન્ડની ઉચાપત માટે વર્ષ 2011માં દોષી ઠેરવાયા હતા.

ગિલે જણાવ્યું હતું કે, હું ફરી એકવાર બિઝનેસનો ચાર્જ મારા હાથમાં લઇ પોસ્ટમાસ્ટર તરીકે કામ કરવા માગુ છું. મારા પિતા સારી રીતે જાણતા હતા કે મેં નાણાની કોઇ ઉચાપત કરી નથી. તેઓ ઇચ્છતા હતા કે હું ફરી આ કામ સંભાળું. હવે તેમની ઇચ્છા અમારી ઇચ્છા છે. હું કોઇપણ ભોગે પીછેહઠ કરવાની નથી.

ગિલે હોરાઇઝન સ્કેન્ડલના કારણે જિંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પતિના નિધન બાદ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો હતો. તમામ પડકારો છતાં ગિલ તેમની પ્રતિષ્ઠા પરત મેળવવા માગે છે. તેઓ કહે છે કે હું ગર્વથી માથુ ઊંચુ રાખીને જીવવા અને એ સાબિત કરવા માગુ છું કે મેં કોઇ ખોટું કામ કર્યું નથી. ગિલના પિતા લંડનની બહાર સૌપ્રથમ એશિયન પોસ્ટમાસ્ટરો પૈકીના એક હતા.

પોસ્ટ ઓફિસે ઇન્કવાયરીમાં પોતાના બચાવ માટે 132 મિલિયન પાઉન્ડ ખર્ચી નાખ્યાં

909 કરતાં વધુ પોસ્ટ માસ્ટરોને ખોટી રીતે દોષી ઠરાવવાના મામલામાં લાંબા સમયથી ચાલી રહેલી ઇન્કવાયરીમાં કંપનીનો બચાવ કરવા માટે પોસ્ટ ઓફિસના એક્ઝિક્યુટિવો દ્વારા અત્યાર સુધીમાં 130 મિલિયન પાઉન્ડ જેટલી માતબર રકમ ખર્ચી નાખવામાં આવી છે. પોસ્ટ ઓફિસના વાર્ષિક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્કવાયરીના સપ્ટેમ્બર 2020થી 31 માર્ચ 2024 વચ્ચેના સમયગાળામાં કંપની દ્વારા 132 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં તો અડધાથી વધુ 82 મિલિયન પાઉન્ડનો ખર્ચ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter