લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં પોસ્ટ ઓફિસ દ્વારા કેટલી હદે જુઠ્ઠાણા ચલાવવામાં આવ્યા તેની પરતો ધીમે ધીમે ખુલી રહી છે. એક દસ્તાવેજ અનુસાર પોસ્ટ ઓફિસે 19 વર્ષ પહેલાં હોરાઇઝન સિસ્ટમ આપનારી ફુજિત્સુ કંપની સાથે પોસ્ટ ઓફિસ ઓપરેટર્સના એકાઉન્ટ્સમાં સામે આવતી ખામીઓ દૂર કરવા એક ગુપ્ત સંધિ કરી હતી. હિસાબકિતાબમાં ખામી કયા કારણોથી આવી રહી છે તે અમે જાણતા નહોતા એવા પોસ્ટ ઓફિસના દાવાનો અહીં છેદ ઊડી જાય છે.
2006માં કરાયેલી 26 પાનાની સંધિમાં બંને પક્ષ પાસે પોસ્ટ ઓફિસ ઓપરેટરોના બ્રાન્ચ એકાઉન્ટમાં બદલાવ કરવાનો અધિકાર હતો. પોસ્ટ ઓફિસ એવા જ દાવા કરતી આવી હતી કે બ્રાન્ચ એકાઉન્ટોમાં દૂરથી બદલાવ કરવાનું સંભવ જ નથી.
આ ખુલાસાથી પોસ્ટ ઓફિસના એ દાવા ખોટા ઠરે છે કે હિસાબમાં ગરબડ માટે સક્ષમ એવા કોઇ બગ્સ અસ્તિત્વમાં નહોતા. સંધિમાં એવો કરાર કરાયો હતો કે હોરાઇઝન આઇટી સિસ્ટમ દ્વારા થનારા કોઇપણ ખામીયુક્ત ટ્રાન્ઝેક્શન માટે ફુજિત્સુ 100થી 150 પાઉન્ડ ચૂકવશે.
પોસ્ટ ઓફિસ ઓપરેટર્સના સીનિયર બેરિસ્ટર પોલ માર્શલે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસે એવું કારણ આપીને પોસ્ટ માસ્ટરો સામે ખટલા ચલાવ્યા હતા કે હોરાઇઝન સિસ્ટમમાં કોઇ સમસ્યા જ નથી. હિસાબમાં ગેરરિતીનું કારણ પોસ્ટ માસ્ટરોની અપ્રમાણિકતા છે.


