લંડનઃ ખામીયુક્ત હોરાઇઝન આઇટી સિસ્ટમ દ્વારા મળેલી માહિતીના આધારે ખોટી રીતે દોષી ઠેરવાયેલા સેંકડો પોસ્ટ માસ્ટરોને અમર્યાદિત વળતર ચૂકવાશે. 2024ના પ્રારંભમાં ચુકાદાઓ રદ ઠેરવતો કાયદો ઘડાયા બાદ શરૂ કરાયેલી નવી સ્કીમ અંતર્ગત લગભગ 900 પોસ્ટ ઓફિસ બ્રાન્ચ માલિકોને ઓછામા ઓછા 6,00,000 પાઉન્ડ વળતરનો અધિકાર મળ્યો છે. સરકારે જણાવ્યું છે કે અરજી કરનારા સબ પોસ્ટમાસ્ટરોને અપાનારા વળતરની કોઇ મહત્તમ મર્યાદા નહીં હોય. ટ્રેઝરીએ આ કામ માટે 1 બિલિયન પાઉન્ડનું ભંડોળ અલગ ફાળવી રાખ્યું છે. નવી સ્કીમ અંતર્ગત જેમના ચુકાદા ઉલટાવી નાખવામાં આવ્યાં છે તેઓ સરકાર દ્વારા સંચાલિત સ્કીમમાં વળતર માટે અરજી કરી શકશે. જસ્ટિસ મિનિસ્ટ્રીએ અદાલતના રેકોર્ડના આધારે ડેટાબેઝ તૈયાર કર્યો છે અને પીડિતોને નવી સ્કીમની જાણકારી આપતા પત્ર મોકલી આપશે. આ વળતર માટે 900 લોકો યોગ્ય ઠરે તેવી સંભાવના છે. જેમને પત્ર ન મળે તેઓ પણ આ વળતર માટે અરજી કરી શકશે. પોસ્ટ માસ્ટરો બે રીતે વળતર માટે અરજી કરી શકશે. પહેલી રીતમાં ફાસ્ટ ટ્રેક પ્રોસેસ કરાશે જેમાં તેમને કુલ 6,00,000 પાઉન્ડનું ફુલ એન્ડ ફાઇનલ વળતર અપાશે. તેમની ઓળખપત્ર સિવાય અન્ય કોઇ તપાસ થશે નહીં. બીજી રીતમાં જે પીડિતો એમ માને છે કે તેમને વધુ વળતર પ્રાપ્ત થવું જોઇએ અથવા તો તેમના કેસની વધુ ઉંડાણથી તપાસ થવી જોઇએ તેઓ વધુ વળતર માટે અરજી કરી શકશે અને આ વળતરની કોઇ મહત્તમ મર્યાદા નહીં હોય. આ પ્રકારનું વળતર મિલિયનો પાઉન્ડમાં પહોંચી શકે છે. નવી સ્કીમ અંતર્ગત બંને પ્રકારે અરજી કરનારાઓને પ્રાથમિક વળતર પેટે 2,00,000 પાઉન્ડ ચૂકવી દેવાશે. સંપુર્ણ વળતર કેટલા સમયમાં મળશે તેની ડેડલાઇન હજુ નક્કી કરાઇ નથી. મૃત્યુ પામેલા સબ પોસ્ટમાસ્ટરોના વારસો પણ વળતર માટે અરજી કરી શકશે.


