લંડનઃ હોરાઇઝન આઇટી સિસ્ટમની ખામીનો ભોગ બનેલા, 15 વર્ષ પહેલાં ડિસમિસ કરાયેલા સબ પોસ્ટમાસ્ટર 56 વર્ષીય રૂપપ્રિત ગિલ તેમની જૂની પોસ્ટ ઓફિસ બ્રાન્ચનું સંચાલન કરવા પરત ફરેલા પ્રથમ પીડિત બન્યાં છે. ગિલે સોમવારથી બર્મિંગહામના ડેન્ડ્સવર્થમાં સ્થિત પોસ્ટ ઓફિસનો કાર્યભાર સંભાળી લીધો હતો. ગિલે જણાવ્યું હતું કે, હું આ કાર્ય મારા પિતાને સન્માનિત કરવા કરી રહી છું. 1976માં તેમના પિતા નિર્મલસિંહ કેઇલીએ આ બિઝનેસ ખરીદ્યો હતો.
2005થી તેમણે આ પોસ્ટઓફિસનું સંચાલન સંભાળ્યું હતું. હોરાઇઝન આઇટી સિસ્ટમમાં ખામીના કારણે 2010માં તેમને પોસ્ટ ઓફિસમાં 46000 પાઉન્ડની ગેરરિતી માટે જવાબદાર ઠેરવી ડિસમિસ કરાયાં હતાં. ગિલે જણાવ્યું હતું કે, આ સ્કેન્ડલના કારણે હું ઘણી હતાશ થઇ હતી અને આત્મહત્યાના વિચારો આવતાં હતાં. મારા પર મૂકાયેલા આરોપોના કારણે મારું લગ્નજીવન ભાંગી પડ્યું હતું. મારે ઘર, કાર સહિત સર્વસ્વ ગુમાવવાનો વારો આવ્યો હતો.
સોમવારે તેમણે બ્રાન્ચમાં પરત ફરતાં જણાવ્યું હતું કે, મારા પિતા લંડન બહારના સૌપ્રથમ એશિયન પોસ્ટમાસ્ટરો પૈકીના એક હતા. તેમણે સન્માન સાથે આ બ્રાન્ચનું સંચાલન કર્યું હતું. મારા પર મૂકાયેલા આરોપોના કારણે તેઓ ભાંગી પડ્યાં હતાં. મૃત્યુ પહેલાં તેમની ઇચ્છા હતી કે અમે ફરી આ બ્રાન્ચનું સંચાલન કરીએ. કારણ કે તેઓ જાણતા હતા કે હું નિર્દોષ હતી.


