લંડનઃ પૂર્વ સબ પોસ્ટમાસ્ટર લી કેસલટને હોરાઇઝન આઇટી સ્કેન્ડલ મામલે પોસ્ટ ઓફિસ અને ફુજિત્સુ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. વી કેસલટન આ બંને સંસ્થાઓ સામે દાવો માંડનારા પ્રથમ પીડિત છે. 2004માં લીની બ્રાન્ચના હિસાબકિતાબમાં 25,000 પાઉન્ડની ગેરરિતી સામે આવી હતી. પોસ્ટ ઓફિસ સાથેની લાંબી કાયદાકીય લડાઇ બાદ લીને વર્ષ 2007માં બેન્કરપ્ટ જાહેર કરાયા હતા અને તેમના પર 3,21,000 પાઉન્ડની કાનૂની ફી લાદવામાં આવી હતી.
હોરાઇઝન સ્કેન્ડલના અન્ય પીડિતો સામેના ચુકાદા રદ કરી દેવાયા છે પરંતુ લી સામેનો સિવિલ કેસ હજુ ચાલી રહ્યો છે. લી કેસલટને જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ ઇન્કવાયરીમાંથી હવે આપણે જાણીએછીએ કે તેઓ મને ઉદાહરણ બનાવવા માગે છે. હું ન્યાય ઇચ્છું છું અને મને જાહેરમાં નિર્દોષ ઠેરવવો જોઇએ. હું ઇચ્છું છું કે પોસ્ટ ઓફિસ દ્વારા મારી સામે લેવાયેલા સિવિલ એક્શન રદ કરી નાખવા જોઇએ.
કેસલટન કહે છે કે મને પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરાયેલી વળતરની યોજનાઓમાં જરાપણ વિશ્વાસ નથી. તેથી મારી સામેનો સિવિલ કેસ પડતો મૂકાય તે માટે મારી લીગલ ટીમે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મારી સામેનો પહેલો ચુકાદો ફ્રોડ કરીને પોસ્ટ ઓફિસે મેળવ્યો હતો તેથી તે માટે મને વળતર ચૂકવાવું જોઇએ.
તેમના વકીલ સાયમન ગોલ્ડબર્ગે જણાવ્યું હતું કે, લી ડેવિડ વર્સિસ ગોલિયાથ જેવી લડાઇ લડી રહ્યા છે. અમે હાઇકોર્ટમાં આ કેસમાં છેક સુધી લડી લેવાના છીએ.