હોરાઇઝન પીડિતોને દોષી ઠેરવતા ચુકાદા સાગમટે રદ કરાશે

સરકાર ઇમર્જન્સી ખરડો રજૂ કરશે, નવો કાયદો સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા લોકોને નિર્દોષ જાહેર કરશે અને તેમને વળતર પણ ચૂકવાશેઃ સુનાક

Tuesday 16th January 2024 12:47 EST
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે હાઉસ ઓફ કોમન્સમાં બુધવારે જાહેરાત કરી હતી કે પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા સેંકડો પોસ્ટ માસ્ટરોના ચુકાદા રદ કરવા માટે સંસદમાં ઇમર્જન્સી બિલ લવાશે. વડાપ્રધાન રિશી સુનાકે હાઉસ ઓફ કોમન્સને જણાવ્યું હતું કે, આ કાયદો હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં દોષી ઠરેલા તમામને નિર્દોષ જાહેર કરશે. આ ઇતિહાસની સૌથી મોટી ન્યાયની કસુવાવડ છે. અમે સત્યને બહાર લાવવાનું સુનિશ્ચિત કરીશું. અમે ભૂતકાળની ભૂલો સુધારીને પીડિતોને ન્યાય અપાવીશું. વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, જે લોકો સમાજની સેવા માટે આકરો પરિશ્રમ કરી રહ્યાં હતાં તેમની પ્રતિષ્ઠા કોઇપણ પ્રકારની ભૂલ ન હોવા છતાં ધૂળધાણી થઇ ગઇ હતી. પીડિતોને ન્યાય અને વળતર મળવાં જ જોઇએ.

અત્રે ઉલ્લેખનીય છે કે ફોલ્ટી આઇટી સિસ્ટમના કારણે 700 કરતાં પોસ્ટ ઓફિસ બ્રાન્ચ ઓનર્સ અને મેનેજરોને ફ્રોડ માટે ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં. પોસ્ટલ અફેર્સ મિનિસ્ટર  કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ દ્વારા સત્તાના ક્રુર અને પક્ષપાતી ઉપયોગના કારણે સેંકડો લોકો શિકાર બન્યાં હતાં. હોરાઇઝન સ્કેન્ડલમાં હાલમાં ચાલી રહેલી તપાસમાં મળી રહેલા પુરાવા કહે છે કે પોસ્ટ ઓફિસે અસમર્થતા અને દુષ્ટતા સાથે કામગીરી કરી છે. તમામ ચુકાદા સાગમટે રદ કરવાનો નિર્ણય અસામાન્ય છે પરંતુ સંભવિત અસરોને જોતાં આ નિર્ણય હળવાશમાં લેવાયો નથી. જોકે હું હાઉસને એમ નથી કહી શકતો કે દોષી ઠેરવાયેલા તમામ નિર્દોષ જ હતા. દરેક કેસની પુનઃસુનાવણી વિના આપણે તે જાણી શક્તાં નથી. તેમ છતાં ખોટી રીતે દોષી ઠેરવવાના કારણે જેમના આરોગ્ય, સંપત્તિ અને સંબંધોને ભારે નુકસાન થયું તેમના માટે સરકારે કામ કરવું જ જોઇએ.

સરકાર જે પીડિતોના ચુકાદા ઉલટાવી દેવાયાં છે તેમને વળતર પેટે 6 લાખ પાઉન્ડની ઓફર આપશે પરંતુ જેમને લાગે છે કે વધુ વળતર મળવું જોઇએ તેઓ એસેસમેન્ટ પ્રોસેસ સાથે આગળ વધી શકે છે સેપરેટ લિટિગેશન ગ્રુપમાં રહેલા પીડિતો કે જેમને કેટલુંક વળતર ચૂકવાયું છે તેમને 75000 પાઉન્ડ ઓફર કરાશે.

તપાસકર્તાઓને પોસ્ટ માસ્ટરોને દોષી ઠેરવવા બોનસ ચૂકવાતું હતું

પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલમાં તપાસકર્તાઓને તેમના દ્વારા દોષી ઠેરવાયેલા પ્રતિ પોસ્ટમાસ્ટર દીઠ રોકડ બોનસ ચૂકવાયા હોવાનો પર્દાફાશ થયો છે. પોસ્ટ ઓફિસમાં લાંબાગાળાથી ફરજ બજાવતા અધિકારી ગેરી થોમસે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ હોરાઇઝન ઇન્કવાયરીની ઇન્સેન્ટિવ સ્કીમ અને બોનસના પ્રસ્તાવના કારણે તપાસકર્તા તરીકેના તેના વલણ પર અસર પડી હતી. પોતાના એક સહયોગી સાથેના ઇ-મેલ વ્યવહારમાં પોસ્ટ માસ્ટર જુલિયન વિલ્સનના કેસમાં સિક્યુરિટી ટીમ વર્કરે જણાવ્યું હતું કે, ગેરી થોમસ ફ્રોડ કરનારા સબ પોસ્ટ માસ્ટરોને ન્યાય આપવાનો કોઇ કેસ બનતો જ નથી તેવું પૂરવાર કરવાની ઇચ્છા ધરાવતા હતા.

હોરાઇઝન સોફ્ટવેરમાં સમસ્યાઓની જાણ પોસ્ટ ઓફિસને પહેલેથી હતી

જાહેર નહીં કરાયેલ કેટલાંક રેકોર્ડિંગ્સમાંથી ખુલાસો થયો છે કે પોસ્ટ ઓફિસના તત્કાલિન વડા પૌલા વેનેલ્સે ઇનકાર કર્યાના બે વર્ષ પહેલાંથી પોસ્ટ ઓફિસનો સ્ટાફ જાણતો હતો કે હોરાઇઝન સોફ્ટવેરમાં કેટલીક સમસ્યાઓ છે. હોરાઇઝન સ્કેન્ડલની તપાસ કરી રહેલી સમિતિએ આ રેકોર્ડિંગ્સની ટેપની માહિતી ઉજાગર કરવા માટે તેને અપાયેલી કાયદાકીય સત્તાનો ઉપયોગ કર્યો છે. રેકોર્ડિંગ્સ દર્શાવે છે કે પોસ્ટ ઓફિસના કંપની સેક્રેટરી 2013માં પૌલા વેનેલ્સે એવી માહિતી આપવાની તૈયારી કરી રહ્યા હતા કે સબ પોસ્ટ માસ્ટરોની જાણ બહાર જ હોરાઇઝન એકાઉન્ટ્સને દૂર રહીને જ ખંખોળી શકાય છે. પરંતુ પોસ્ટ ઓફિસ વર્ષોથી દાવા કરી રહી હતી કે હોરાઇઝન એકાઉન્ટ્સનો રિમોટ એક્સેસ અશક્ય છે.

પીડિતોને વળતરમાં હિસ્સો આપવો અમારી નૈતિક જવાબદારીઃ ફુજિત્સુ

પોસ્ટ ઓફિસમાં હોરાઇઝન સ્કેન્ડલ માટે જવાબદાર ખામીયુક્ત સોફ્ટવેર પુરું પાડનાર કંપની ફુજિત્સુના યુરોપ સ્થિત ડિરેક્ટર પોલ પેટરસને જણાવ્યું છે કે ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટમાસ્ટરો માટેના વળતરમાં હિસ્સો આપવો કંપનીની નૈતિક જવાબદારી બને છે. કંપનીએ જ સબ માસ્ટરો વિરુદ્ધ પુરાવા ઉપલબ્ધ કરાવ્યા હતા. પોસ્ટ ઓફિસ અગાઉથી સોફ્ટવેરની ખામીઓ અંગે જાણતી હતી. કંપનીની ભુમિકા અંગે માફી માગતા પેટરસને જણાવ્યું હતું કે, અમે પહેલેથી આ સ્કેન્ડલમાં સંડોવાયેલા હતા. અમારી સિસ્ટમમાં ખામી હોવા છતાં પોસ્ટમાસ્ટરો સામેની કાર્યવાહીમાં પોસ્ટ ઓફિસને મદદ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter