હોરાઇઝન પીડિતોને વળતર ચૂકવવામાં વિલંબ, સરકારને પેનલ્ટી ફટકારવા ભલામણ

પોસ્ટ ઓફિસને વળતર પ્રક્રિયામાંથી દૂર કરવા કોમન્સની કમિટી દ્વારા નિર્દેશ અપાયો

Tuesday 07th January 2025 09:39 EST
 
 

લંડનઃ હોરાઇઝન આઈટી કૌભાંડના પીડિતોને ન્યાયમાં વધુ વિલંબ થતો અટકાવવા સંસદીય સમિતિએ પોસ્ટ ઓફિસને પીડિતો માટેની વળતર યોજનાઓમાંથી હટાવી દેવાની ભલામણ કરી છે. બુધવારે જારી કરાયેલા એક રિપોર્ટમાં હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીએ જણાવ્યું હતું કે, પીડિતોને પુરતી ઝડપથી વળતરની ચૂકવણી થઇ રહી નથી. જો વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનાવવામાં ન આવે તો સરકારને પેનલ્ટી કરવી જોઇએ.

કમિટીએ જણાવ્યું છે કે સરકારી માલિકીની પોસ્ટ ઓફિસ લિમિટેડે ચાર હોરાઇઝન રિડ્રેસ સ્કીમ માટે 136 મિલિયન પાઉન્ડ જેટલી રકમ લીગલ ફી પેટે ખર્ચી નાખી છે. હર્બર્ટ સ્મિથ ફ્રીહિલ્સ નામની એક કંપનીને તો કાનૂની સલાહ માટે 82 મિલિયન પાઉન્ડ ચૂકવાયાં છે. પોસ્ટ ઓફિસે જેટલી રકમ લીગલ ફી માટે ચૂકવી છે તેના ફક્ત 27 ટકા રકમ જ પીડિતોને વળતર પેટે ચૂકવાઇ છે.

કમિટીના અધ્યક્ષ અને લેબર સાંસદ લિયામ બાયર્નીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ કાયદાના ઇતિહાસની ન્યાયની સૌથી મોટી કસૂવાવડના પીડિત સેંકડો હોરાઇઝન પીડિતોને હજુ વળતર ચૂકવાયું નથી. આપણો દેશ સાચા ન્યાય અને કાયદાના શાસનમાં વિશ્વાસ ધરાવે છે. પીડિતોને વળતર ચૂકવવામાં અક્ષમ્ય વિલંબ થઇ રહ્યો છે પરંતુ વકીલોને લાખો પાઉન્ડ ચૂકવાઇ રહ્યાં છે.

હાલ પીડિતોને વળતર માટે ચાર સ્કીમ ચલાવવામાં આવી રહી છે જેમાંથી બે સ્કીમ પોસ્ટ ઓફિસ હસ્તક છે. જે પીડિતોને અદાલતો દ્વારા નિર્દોષ ઠેરવાયાં છે તેમને વળતર ચૂકવવા માટે ધ ઓવરટર્ન્ડ કન્વિક્શન સ્કીમ અને જે ઓપરેટરો એલન બેટ્સ દ્વારા દાખલ કરાયેલા ખટલામાં સામેલ ન હતા તેમના માટેની હોરાઇઝન શોર્ટફોલ સ્કીમનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter