લંડનઃ પૂર્વ સબ પોસ્ટમાસ્ટરોએ દાવો કર્યો છે કે હોરાઇઝન આઇટી સ્કેન્ડલ પહેલાં 1990ના દાયકામાં ઉપયોગમાં લેવાતું એકાઉન્ટિંગ સોફ્ટવેર કેપ્ચર પણ ખામીયુક્ત હતું અને તેના કારણે ઘણા સબ પોસ્ટ માસ્ટરને ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં. સબ પોસ્ટમાસ્ટર સ્ટીવ માર્સટન માને છે કે હોરાઇઝન સ્કેન્ડલના વર્ષો પહેલાં કેપ્ચર સોફટવેરના કારણે તેમને ખોટી રીતે દોષી ઠેરવાયા હતા.
સરકારે આ દાવાની નોંધ લેતાં પોસ્ટ ઓફિસને બીજી આઇટી સિસ્ટમમાં ખામી અંગેની તપાસ માટે આદેશ આપ્યો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે મોટી સંખ્યામાં પૂર્વ સબ પોસ્ટ માસ્ટરો માની રહ્યાં છે કે 1990ના દાયકામાં પોસ્ટ ઓફિસોમાં અમલી બનાવાયેલ એકાઉન્ટિંગ સોફટવેર કેપ્ચરમાં ઘણી ખામીઓ હતી અને તેના કારણે હોરાઇઝન સિસ્ટમ જેવી જ હિસાબી ભૂલો જોવા મળી હતી.
ગ્રેટર માન્ચેસ્ટરના હીપ બ્રિજમાં સબ પોસ્ટમાસ્ટર રહી ચૂકેલા સ્ટીવ કહે છે કે કેપ્ચર સોફ્ટવેરમાં રહેલી ખામીના કારણે જ 1998માં મને ચોરી માટે દોષી ઠેરવાયો હતો. હોરાઇઝન એડવાઇઝરી બોર્ડના સભ્ય લેબર સાંસદ કેવન જોન્સ કહે છે કે તાજેતરના સપ્તાહોમાં મારી સમક્ષ આ પ્રકારના કેટલાક કેસ અંગે રજૂઆત કરાઇ છે.
પોસ્ટ ઓફિસ લિમિટેડના માલિક ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડે જણાવ્યું હતું કે, અમે પોસ્ટ ઓફિસને સ્ટીવના કેસની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે. પોસ્ટ ઓફિસને હાલની અથવા તો ભૂતકાળમાં ઉપયોગમાં લેવાયેલી અન્ય સિસ્ટમોમાં ખામી હતી કે કેમ તેની તપાસના પણ આદેશ અપાયાં છે.
પોસ્ટ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હોરાઇઝન સ્કેન્ડલ પહેલાં પણ ખોટી રીતે દોષી ઠરાવાયા હોવાના દાવની પોસ્ટ ઓફિસ તપાસ કરશે. ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, અમે ભૂતકાળમાં થયેલી ભૂલો સુધારવા માગીએ છીએ.
હોરાઇઝન સ્કેન્ડલના પીડિતો વતી અભિયાન ચલાવનાર પૂર્વ સાંસદ અને કન્ઝર્વેટિવ લોર્ડ જેમ્સ આર્બથનોટે જણાવ્યું હતું કે, હું માનુ છું કે કેપ્ચર સોફ્ટવેરના કારણે ખોટી રીતે દોષી ઠેરવાયેલા સબ પોસ્ટ માસ્ટરોની અપીલોની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં કરાય કારણ કે તેમને હોરાઇઝન સ્કીમમાં સામેલ કરાય તેવી કોઇ સંભાવના નથી.


