લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલ માટે જવાબદાર લોકોને સજા આપવામાં ભારે વિલંબ થઇ રહ્યો છે. હોરાઇઝન સ્કેન્ડલની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે સ્કેન્ડલ માટે જવાબદાર ગણાતા લોકો સામે 2028 પહેલા ખટલાની કાર્યવાહી સંભવિત નથી.
કમાન્ડર સ્ટિફન ક્લેમેને જણાવ્યું હતું કે, તાત્કાલિક નિર્ણય લેવામાં સામેલ લોકો ઉપરાંત તપાસનો દાયરો વિસ્તારમાં આવતા તેમની સામેની ક્રિમિનલ ટ્રાયલ શરૂ થવામાં વિલંબ થઇ શકે છે. તપાસ કરી રહેલી ટીમોએ માહિતી પર પુરતું ધ્યાન આપવાની જરૂર છે. અમે તપાસનો દાયરો વિસ્તારીને કામ કરી રહ્યાં છીએ. તેથી તેમાં વિલંબ થઇ શકે છે.
ઓપરેશન ઓલિમ્પોસ તરીકે ઓળખાતી આ તપાસ હોરાઇઝન આઇટી સિસ્ટમમાં રહેલી ખામીઓના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને દોષી ઠેરવાઇ રહ્યાં હતાં ત્યારે કોર્ટને કેવી રીતે ગેરમાર્ગે દોરવામાં આવી તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ તપાસનો દાયરો ઘણો વિશાળ છે. પોલીસે 3000 સંભવિત પીડિતો અને 1.5 મિલિયન દસ્તાવેજોની ચકાસણી કરવાની છે.