હોરાઇઝન સ્કેન્ડલઃ પૌલા વેનેલ્સ સીબીઇનો દરજ્જો પરત કરશે

પોસ્ટ ઓફિસમાં જે કાંઇ થયું તેની જવાબદારી વેનેલ્સની છેઃ કેવિન હોલિનરેક

Tuesday 09th January 2024 10:53 EST
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસના પૂર્વ વડા પૌલા વેનેલ્સે જણાવ્યું છે કે તેઓ તેમને અપાયેલો સીબીઇનો દરજ્જો પરત કરશે. તેમણે 2012થી 2019 વચ્ચે પોસ્ટ ઓફિસના વડા તરીકે ફરજ બજાવી હતી. આ પહેલાં સેંકડો પોસ્ટ માસ્ટરને ખોટી રીતે દોષી ઠેરવનાર હોરાઇઝન સ્કેન્ડલ મુદ્દે પોસ્ટ ઓફિસના પૂર્વ ચીફ એક્ઝિક્યુટિવને અપાયેલું કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (સીબીઇ)નું સન્માન પરત લઇ લેવા એક્ટિવિસ્ટો અને રાજકીય નેતાઓ દ્વારા માગ કરાઇ હતી.. પૌલા વેનેલ્સ 6 વર્ષ સુધી પોસ્ટ ઓફિસના ચીફ એક્ઝિક્યુટિવ રહ્યા હતા અને આ હોદ્દા પરથી તેમની વિદાય પહેલાં જ પોસ્ટ ઓફિસની સેવાઓ માટે તેમને સીબીઇથી સન્માનિત કરાયાં હતાં.

પોસ્ટ ઓફિસમાં હોરાઇઝન સ્કેન્ડલ મામલે પૌલાની ભુમિકાની હાલ તપાસ ચાલી રહી છે ત્યારે પોસ્ટલ સર્વિસ મિનિસ્ટર કેવિન હોલિનરેકે માગ કરી હતી કે પૌલા વેનેલ્સ તેમને અપાયેલું સીબીઇનું સન્માન પરત કરે. ગૂડ મોર્નિંગ બ્રિટન સાથેની મુલાકાતમાં હોલિનરેકે જણાવ્યું હતું કે, જે કાંઇ થયું તેની જવાબદારી વેનેલ્સની છે. જો હું તેમના સ્થાને હોત તો મને મળેલું સન્માન પરત કરી દેવા ગંભીરતાથી વિચારતો.

વેનેલ્સની સીબીઇ પદવી છીનવી લેવાની પીટિશન પર 10 લાખના હસ્તાક્ષર કરાયાં હતાં

વેનેલ્સની સીબીઇની પદવી છીનવી લેવાની માગ કરતી પીટિશન પર 10 લાખ કરતાં વધુ લોકોએ હસ્તાક્ષર કર્યાં હતાં. પીટિશનમાં જણાવવામાં આવ્યું છે કે પોસ્ટ ઓફિસના 550 કરતાં વધુ કર્મચારીઓ સામે ખોટી રીતે ખટલા કરવામાં પોસ્ટ ઓફિસનો ઢાંકપિછોડો જવાબદાર હોવાના પુરાવા હવે સામે આવી ગયાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter