લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના વળતરપાત્ર પીડિતો માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓ પૈકીની એકમાંથી પોસ્ટ ઓફિસને હટાવવામાં આવી રહી છે. હવે સરકાર ઓવરટર્ન્ડ કન્વિક્શન સ્કીમની જવાબદારી જાતે ઉપાડી લેશે. આ સ્કીમ અંતર્ગત જેમની સામેના ચુકાદા ઉલટાવી દેવાયાં છે તેવા પીડિત સબ પોસ્ટમાસ્ટરોને વળતર ચૂકવાય છે.
જાન્યુઆરી 2025માં બિઝનેસ અને ટ્રેડ કમિટીએ દલીલ આપી હતી કે પોતાના જ દ્વારા આચરાયેલા સ્કેન્ડલમાં પીડિતોને કેટલું વળતર આપવું તે નક્કી કરવાનો અધિકાર પોસ્ટ ઓફિસને મળવો જોઇએ નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉની કન્ઝર્વેટિવ સરકારે 900 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટરને દોષી ઠેરવતા ચુકાદા રદ કરવા સંસદમાં કાયદો પસાર કર્યો હતો.
હાલ સ્કેન્ડલના પીડિત સબ પોસ્ટમાસ્ટરોને વળતર ચૂકવવા માટે 4 સ્કીમ અમલમાં છે. જેમના ચુકાદા ઉલટાવી દેવાયાં છે તેવા પીડિત ઓવરટર્ન્ડ કન્વિક્શન સ્કીમ અંતર્ગત વળતર માટે અરજી કરી શકે છે. હવે સરકારે વળતર ચૂકવવાની જવાબદારી પોસ્ટ ઓફિસ પાસેથી પોતાને હસ્તક લીધી છે.