હોરાઇઝન સ્કેન્ડલઃ સુનિલ પટેલે 6 લાખ પાઉન્ડનું વળતર સ્વીકારવા ઇનકાર કર્યો

મેં ભોગવેલી પીડા સામે આ વળતર અપુરતું છે, વળતી લડત આપીશઃ સુનિલ પટેલ

Tuesday 22nd October 2024 09:15 EDT
 
 

લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ફ્રોડના ખોટા આરોપસર દોષી ઠેરવાયેલા પૂર્વ પોસ્ટમાસ્ટર સુનિલ પટેલે તેમને ઓફર કરાયેલા 6 લાખ પાઉન્ડના વળતરને ઠોકર મારી છે. સુનિલ પટેલ અને તેમના પત્ની સ્ટેલા સેન્ટ મેરી બે ખાતે પોસ્ટ ઓફિસની શાખાનું સંચાલન કરતા હતા. સુનિલ પટેલ પર વર્ષ 2008-09માં પોસ્ટ ઓફિસમાં 48,000 પાઉન્ડનું ફ્રોડ આચરવાના આરોપસર 15 મહિના કેદ ફટકારવામાં આવી હતી. જોકે તેમના સારા વ્યવહારના કારણે તેમને 9 મહિનાની સજા થયા બાદ મુક્ત કરી દેવાયા હતા.

ગયા સપ્તાહમાં સુનિલ પટેલને જસ્ટિસ મિનિસ્ટ્રી તરફથી તેઓ સંપુર્ણપણે નિર્દોષ હોવાની જાણ કરતો પત્ર પ્રાપ્ત થયો હતો. પરંતુ સુનિલ પટેલ કહે છે કે 6 લાખ પાઉન્ડ વળતર અને મારી પાસેથી વસૂલ કરાયેલા 48,000 પાઉન્ડની ઓફર પુરતી નથી.

તેઓ કહે છે કે મને ખોટી રીતે દોષી ઠેરવાયો તેના કારણે મારે 1,80,000 પાઉન્ડની બિઝનેસ લોન પરત ચૂકવવા અને દેવુ ભરપાઇ કરવા માટે મારી બે પ્રોપર્ટી વેચી દેવી પડી હતી. હાલ સુનિલ પટેલ એચએમ રેવન્યૂ એન્ડ કસ્ટમમાં ફરજ બજાવે છે. મને લાગે છે કે મને ઓફર કરાયેલું વળતર પુરતું નથી. હું યોગ્ય વળતર પ્રાપ્ત કરવા માટે વળતી લડત આપીશ. મેં ઘણા વર્ષો પીડામાં વીતાવ્યાં છે. જે લોકો જેલમાં ગયા નથી તેમને આટલું વળતર ચૂકવાયું છે. મેં તો 9 મહિના જેલમાં વીતાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter