લંડનઃ પોસ્ટ ઓફિસ સ્કેન્ડલના સૌથી વૃદ્ધ પીડિત 92 વર્ષીય બેટ્ટી બ્રાઉને વળતરમાં વધારાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમના મતે આટલું વળતર પુરતું નથી. બેટ્ટીએ દાવો કર્યો હતો તેના 30 ટકા વળતરને જ પહેલાં મંજૂર કરાયું હતું. હવે સરકાર દ્વારા તેમને 60 ટકા વળતરની ઓફર અપાઇ છે પરંતુ તેમણે તે પણ ઠુકરાવી દીધી છે. તેમનો આરોપ છે કે મને હજુ ન્યાય મળી રહ્યો નથી.
પોસ્ટ ઓફિસ મિનિસ્ટર ગેરેથ થોમસ અંગત રીતે બેટ્ટીના કેસ પર ધ્યાન આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, મહત્તમ વળતર અપાય તે સરકારની પ્રાથમિકતા છે. જો કે બેટ્ટી કહે છે કે હિસાબમાં ઓછા પડતા 50,000 પાઉન્ડ મેં અને મારા સ્વર્ગસ્થ પતિએ અમારી બચતોમાંથી ચૂકવ્યા હોવા છતાં મને 2003માં ડરહામની બ્રાન્ચમાંથી હટાવી દેવાઇ હતી. ખામીયુક્ત સોફ્ટવેરના કારણે હિસાબમાં ગેરરિતી સર્જાઇ હતી. મારી પોસ્ટ ઓફિસ અમારા વિસ્તારની સૌથી સફળ પોસ્ટ ઓફિસ હતી. પરંતુ મને ખોટ ખાઇને તે વેચી દેવાની ફરજ પડી હતી.
બેટ્ટીએ મદદ માટે થોમસનો આભાર માન્યો છે પરંતુ તે કહે છે કે આ સ્કેન્ડલના કારણે મારી સમગ્ર જિંદગી બરબાદ થઇ ગઇ છે. છેલ્લા 26 વર્ષથી હું ન્યાયની રાહ જોઇ રહી છું.
પોસ્ટ ઓફિસે ફુજિત્સુને હોરાઇઝન સોફ્ટવેર અપગ્રેડ કરવા 21 મિલિયન પાઉન્ડ આપ્યા
સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવવા માટે જવાબદાર હોરાઇઝન આઈટી સોફ્ટવેરની ખામીઓ દૂર કરવા પોસ્ટ ઓફિસે ફુજિત્સુને 21 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં છે. ફેબ્રુઆરીમાં પોસ્ટ ઓફિસે ફુજિત્સુ સાથે માર્ચ 2026 સુધી હોરાઇઝન આઇટી સોફ્ટવેરનો ઉપયોગ કરવા 40.8 મિલિયન પાઉન્ડનો કરાર કર્યો હતો. સ્કેન્ડલના પીડિતો કહે છે કે આ કરાર અમારા ઘા પર મીઠું ભભરાવવા સમાન છે. આ કરાર ઉપરાંત પોસ્ટ ઓફિસે ફુજિત્સુને હોરાઇઝન સોફ્ટવેર અપગ્રેડ કરવા વધારાના 21 મિલિયન પાઉન્ડ ચૂકવ્યાં છે.