હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોની વ્યથાઃ તપાસમાં આટલો વિલંબ શા માટે?

પોલીસ તપાસના દાયરામાં ફુજિત્સુ અને પોસ્ટ ઓફિસના સંખ્યાબંધ અધિકારી અને વકીલો

Tuesday 17th December 2024 10:21 EST
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલ સાથે સંકળાયેલા અપરાધોની પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. પોલીસને ડઝનોબંધ શંકાસ્પદની સંડોવણીની શંકા છે પરંતુ આ કેસની સુનાવણી 2027થી પહેલાં શરૂ થાય તેવી કોઇ સંભાવના નથી.

ખામીયુક્ત હોરાઇઝન સોફ્ટવેરના કારણે પોસ્ટ ઓફિસની શાખાઓમાં હિસાબમાં ગેરરિતીઓ સામે આવતાં સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને ખોટી રીતે દોષી ઠેરવાયા બાદ પોલીસ સંભવિત અપરાધો માટે ફુજિત્સુ કંપનીના કર્મચારીઓ અને કેટલાક વકીલો સામે તપાસ ચલાવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, 3 શંકાસ્પદની પૂછપરછ થઇ ચૂકી છે અને અન્ય કેટલાક શંકાસ્પદની નવા વર્ષમાં પૂછપરછ કરાશે.

હલ નજીકના બ્રિડલિંગ્ટનના સબપોસ્ટમાસ્ટર લી કેસલટન પોસ્ટ ઓફિસ સામેની કાયદાકીય લડાઇમાં નાદાર થઇ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, મને એ સમજાતું નથી કે તપાસમાં આટલો વિલંબ શા માટે થઇ રહ્યો છે. પરંતુ અમે હાર માનવાના નથી.

2010માં હિસાબમાં ગેરરિતી માટે ખોટી રીતે દોષી ઠેરવાયેલા પૂર્વ સબ પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રા ગર્ભવતી હતા ત્યારે જ જેલમાં જવું પડ્યું હતું. તેમણે તપાસ અંગેના અહેવાલોને આવકારતાં જણાવ્યું હતું કે, ચાલો આ દિશામાં એક ડગલું આગળ તો વધ્યું. આશા રાખીએ કે હવે તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. સ્કેન્ડલના પીડિતો લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. હોરાઇઝન સ્કેન્ડલે પીડિતોની જિંદગી બરબાદ કરી નાખી છે. તપાસમાં આટલો વિલંબ થશે તેમ તમે ધાર્યું હતું કે કેમ તેવા સવાલના જવાબમાં સીમા મિશ્રાએ જણાવ્યું હતું કે, અમે ઇચ્છતા હતા કે ઝડપથી તપાસ થાય પરંતુ તેમ થયું નથી.

હોરાઇઝન સ્કેન્ડલની તપાસમાં ઇંગ્લેન્ડ અને વેલ્સના 100 જેટલા અધિકારી કામ કરી રહ્યાં છે. 2020માં ઓપરેશન ઓલિમ્પોસના નામે આ તપાસ શરૂ કરાઇ હતી. તપાસનું નેતૃત્વ લંડનની મેટ્રોપોલિટન પોલીસ કરી રહી છે. આ તપાસમાં પોલીસ સ્કોટલેન્ડ, પોલીસ સર્વિસ ઓફ નોર્ધન આયર્લેન્ડ ને નેશનલ ક્રાઇમ એજન્સી પણ સામેલ છે.

કમાન્ડર સ્ટીફન ક્લેમેન કહે છે કે, આ તપાસનો વ્યાપ કલ્પનાની બહાર છે. સ્કેન્ડલના કારણે 3000 લોકોને અસર થઇ હતી. તપાસને ઝડપી બનાવવા મટે અમે મોટી સંખ્યામાં અધિકારીઓને તહેનાત કર્યાં છે.

બે ચરણમાં તપાસ

1 સ્કેન્ડલની તપાસ અને ખટલાઓ પર મહત્વના નિર્ણય લેનારા પર ધ્યાન કેન્દ્રિત થઇ રહ્યું છે. ન્યાયમાં અવરોધ સર્જવા અને અપરાધોને છાવરવાની તપાસ

2 સીનિયર પોસ્ટ ઓફિસ એક્ઝિક્યુટિવો સામે તપાસ. કેટલાક કેસોમાં પ્રગતિ થઇ ચૂકી છે. પોલીસ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ સાથે નિયમિત વિચાર વિમર્શ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter