હોરાઇઝન સ્કેન્ડલના પીડિતોને 6,00,000 પાઉન્ડ વળતરની ઓફર

અગાઉ વળતર મેળવનાર પોસ્ટ માસ્ટરોને તફાવત ચૂકવાશે, આ વળતર મંજૂર નથી તેવા પોસ્ટ માસ્ટર કાનૂની લડાઇ જારી રાખી શકશે

Tuesday 19th September 2023 12:30 EDT
 
 

લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા જે પોસ્ટ ઓફિસ ઓપરેટરના ચુકાદાને ઉલટાવી નાખવામાં આવ્યાં છે તેમને સરકાર તરફથી વળતર તરીકે 6,00,000 પાઉન્ડ ચૂકવવાની જાહેરાત કરાઇ છે. હોરાઇઝન સ્કેન્ડલને યુકેના ઇતિહાસમાં ન્યાયની સૌથી વ્યાપક કસુવાવડ તરીકે ગણવામાં આવે છે. ન્યાયમાં વિસંગતતાના કારણે 1999થી 2015 વચ્ચે 700 કરતાં વધુ પોસ્ટ ઓફિસ ઓપરેટરની સામે ચોરી, છેતરપિંડી અને હિસાબમાં ગેરરિતીઓ માટે ખટલા ચલાવવામાં આવ્યાં હતાં. જોકે આ માટે 1990ના દાયકામાં પોસ્ટ ઓફિસોમાં અમલમાં મૂકાયેલું ખામીયુક્ત એકાઉન્ટિંગ સોફ્ટવેર જવાબદાર હતું.

અત્યાર સુધીમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા 86 પોસ્ટ માસ્ટરના ચુકાદાને ઉલટાવી દઇ તેમને વળતર પેટે 21 મિલિયન પાઉન્ડની ચૂકવણી કરી છે. પોસ્ટ ઓફિસની જવાબદારી જેના માથે છે તેવા બિઝનેસ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટર કેવિન હોલિનરેકે જણાવ્યું હતું કે, અમે જે ખોટું થયું છે તેને સુધારી રહ્યાં છીએ જેથી આ સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા નિર્દોષોને થોડી રાહત આપી શકીએ.

સરકારે જણાવ્યું છે કે તમામ પ્રકારની લીગલ ફી ઉપરાંત આ નવા વળતરની ઓફર અપાઇ છે. જો કે જે પોસ્ટ ઓફિસ ઓપરેટરને આ વળતર મંજૂર નથી તેઓ કાયદાકીય પ્રક્રિયા જારી રાખી શકશે. જે પોસ્ટ ઓફિસ ઓપરેટરોને પોસ્ટ ઓફિસ સાથેના સમાધાનના ભાગરૂપે પ્રારંભમાં 6 લાખ પાઉન્ડથી ઓછું વળતર ચૂકવાયું છે તેમને તફાવતના નાણા વળતર તરીકે ચૂકવાશે.

હોલિનરેકે જણાવ્યું હતું કે, ઘણા પોસ્ટ માસ્ટરે લાંબા સમય સુધી પીડા વેઠી છે. સરકાર અંત સુધી તેમની મદદ કરવા પ્રતિબદ્ધ છે. આ સ્કેન્ડલના ખોટા આરોપોના કારણે કેટલાક પોસ્ટ માસ્ટરને કેદમાં સમય વીતાવવો પડ્યો હતો અને ચાર પોસ્ટ માસ્ટરે આત્મહત્યા પણ કરી લીધી હતી. 2021માં સરકારે 1 લાખ પાઉન્ડના વચગાળાના વળતરની જાહેરાત કરી હતી જેને પાછળથી વધારીને 1,63,000 પાઉન્ડ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter