લંડનઃ પોસ્ટ ઓફિસના હોરાઇઝન સ્કેન્ડલના પીડિત સબ પોસ્ટમાસ્ટરો અને તેમના વકીલો દ્વારા મંગળવારે હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીના સાંસદો સમક્ષ પોતાની વિતક કથા રજૂ કરી હતી. આઇટીવીના ડ્રામા માટે પ્રેરણારૂપ બનેલા કેમ્પેનર એલન બેટ્સે કમિટીને જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ એક મરેલું બતક છે અને તેને એમેઝોનને 1 પાઉન્ડમાં વેચી દેવી જોઇએ. હું ઘણા વર્ષોથી પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલો છું. તેનામાં કોઇ બદલાવ આવવાનો નથી. તે ગધેડાના કાન જેવી છે. તે બદલાવાની નથી કે તમે પણ તેને બદલી શક્શો નહીં.
બેટ્સે કમિટીને જણાવ્યું હતું કે, સરકાર અને ફુજિત્સુએ સબ પોસ્ટમાસ્ટરોના વળતરો ચૂકવી દેવાં જોઇએ. અત્યાર સુધી ઘણો વિલંબ કરાયો છે પરંતુ હવે પીડિતોને નાણા ચૂકવી દો. આ તેમના નાણા છે અને પોસ્ટ ઓફિસ પાસે લેણા નીકળે છે. અમારા લેણાને વળતરનું નામ આપી શકાય નહીં.
બેટ્સે જણાવ્યું હતું કે, મને આ ફિયાસ્કાનો કોઇ અંત દેખાતો નથી. હજુ મારા વળતરના દાવા પર પણ કોઇ કાર્યવાહી થઇ નથી. શું સરકારની આશ્વાસનથી તમે પ્રભાવિત થયાં છો તેવા સવાલના જવાબમાં બેટ્સે જણાવ્યું હતું કે, ના પરંતુ હતાશા જરૂર થઇ છે. આ તો વર્ષોથી ચાલી રહ્યું છે. મને તેનો કોઇ અંત દેખાતો નથી.
તેમણે જણાવ્યું હતું કે, વળતર યોજના અંતર્ગત લગભગ 50 ટકા પૂર્વ પોસ્ટમાસ્ટર કે જેઓ તેને પાત્ર છે તેમનો તેમના દાવા અંગે કોઇ સંપર્ક જ કરાયો નથી. 478 લોકો આ વળતર માટે યોગ્ય હોવા છતાં હજુ પોસ્ટ ઓફિસ દ્વારા ફક્ત 55 લોકોનો સંપર્ક કરાયો છે.
પોસ્ટમાસ્ટરો વતી કમિટી સમક્ષ હાજર થયેલા વકીલ જેમ્સ હાર્ટલીએ જણાવ્યું હતું કે, વળતરની ચૂકવણીમાં થઇ રહેલા વિલંબ માટે પોસ્ટ ઓફિસની અસમર્થતા અને બિનઅસરકારતા જવાબદાર છે. શા માટે વળતર માટે હકદાર પીડિતોનો હજુ સંપર્ક પણ કરાયો નથી. ઓગસ્ટ સુધીમાં વળતર ચૂકવવાની સરકારની ડેડલાઇન નિરર્થક છે.
અન્ય એક પીડિત પોસ્ટ માસ્ટર ટોની ડાવનીએ જણાવ્યું હતું પોસ્ટ ઓફિસ સાથેના વિવાદના કારણે હું નાદાર થઇ ગયો હતો. 2020માં નિર્દોષ છૂટનાર ટીમ બ્રેન્ટનાલે જણાવ્યું હતું કે, હું વળતરના દાવા માટે 3 વર્ષથી કાગળો તૈયાર કરી રહ્યો છું.
251 પોસ્ટ માસ્ટર વળતર ચૂકવાય તે પહેલાં જ મૃત્યુ પામ્યા
એક અંદાજ પ્રમાણે હોરાઇઝન સ્કેન્ડલમાં ખોટી રીતે દોષી ઠેરવાયેલા 251 પોસ્ટ માસ્ટર તેમને અંતિમ વળતર ચૂકવાય તે પહેલાં જ આ દુનિયાને અલવિદા કહી ચૂક્યાં છે. એપ્રિલ 2023થી આ સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે. તે સમયે ટાઇમ્સ અખબારના એક રિસર્ચ પ્રમાણે આવા પોસ્ટ માસ્ટરની સંખ્યા 59 હતી. દર સપ્તાહે લગભગ 3 પોસ્ટ માસ્ટરના મોત થઇ રહ્યાં છે. હાઇકોર્ટ દ્વારા આ સ્કેન્ડલને ઉઘાડું પડાયાના 4 વર્ષ બાદ 1900 કરતાં પોસ્ટ માસ્ટરને હજુ વળતર ચૂકવાયું નથી. વળતર માટે ફાળવવામાં આવેલા બજેટમાંથી ફક્ત સાતમા ભાગની રકમ જ ખર્ચવામાં આવી છે. વકીલોનું કહેવું છે કે અમારા વૃદ્ધ ક્લાયન્ટો તેમને ન્યાય અને વળતર મળે તે પહેલાં જ દુનિયા છોડી રહ્યાં છે. અત્યાર સુધીમાં ગ્રુપ લિટિગેશન ઓર્ડર સ્કીમ માટે જેમના દાવા યોગ્ય ઠેરવાયા છે તેમાંના 25 પોસ્ટ માસ્ટરના મોત થઇ ગયાં છે. અન્ય અપરાધ માટે ખોટી રીતે દોષી ઠેરવાયેલા 36 પોસ્ટ માસ્ટર વળતર પ્રાપ્ત થાય તે પહેલાં મૃત્યુ પામ્યા છે. 148 પોસ્ટ માસ્ટરને અલગ હોરાઇઝન શોર્ટફોલ સ્કીમમાં વળતર ચૂકવાય તે પહેલાં મોતને ભેટ્યાં છે. ચાર પોસ્ટ માસ્ટરે આત્મહત્યા કરી લીધી હતી. બે પોસ્ટ માસ્ટરના પરિવારે વળતર માટે અરજી જ કરી ન હોવાથી તેમને આ સંખ્યામાં સામેલ કરાયાં નથી.


