લંડનઃ સુનાક સરકારે પોસ્ટ ઓફિસ હોરાઇઝન સ્કેન્ડલ સાથે સંકળાયેલા 900 કરતાં વધુ લોકોના ચુકાદા ઉલટાવી દેવાની જાહેરાત કરી છે. કુલ 4000 કરતાં વધુ લોકોને તેઓ વળતર માટે યોગ્ય છે તેવી સૂચના અપાઇ છે. સરકાર દ્વારા આ માટે 3 યોજના જાહેર કરાઇ છે. ગ્રુપ લિટિગેશન ઓર્ડર સ્કીમ અંતર્ગત પીડિતોને તેમની સ્થિતિની ગંભીરતાના આધારે વધારાનું વળતર ચૂકવાશે. ઓવરટર્ન્ડ કન્વિક્શન સ્કીમમાં જેમના ચુકાદા ઉલટાવી દેવાયા છે તેવા પીડિતો 6 લાખ પાઉન્ડના ફાસ્ટ ટ્રેક વળતરનો વિકલ્પ પસંદ કરી શકશે. જો તેમને આ વળતર ઓછું જણાય તો તેઓ અપીલ કરી શકે છે. ત્રીજી હોરાઇઝન શોર્ટફોલ સ્કીમમાં જે સબ પોસ્ટ માસ્ટરો જીએલઓ કોર્ટ એક્શનમાં દોષી ઠેરવાયા નથી તેમને વળતર અપાશે.
1 ગ્રુપ લિટિગેશન ઓર્ડર સ્કીમ
આ સ્કીમ અંતર્ગત પીડિતની સ્થિતિની ગંભીરતાના આધારે વધારાનું વળતર ચૂકવાશે. આ સ્કીમ સરકારના હસ્તક ચાલી રહી છે. આ સ્કીમ માટે યોગ્ય પીડિતોને ઓછામાં ઓછા 75000 પાઉન્ડ વળતર તરીકે તાત્કાલિક ચૂકવી દેવાશે. જીએલઓ ગ્રુપમાં 555 સભ્યો છે જેમાંથી 63ને દોષી ઠેરવાયા હતા તેથી તેઓ આ સ્કીમમાં વળતરને પાત્ર નથી.
2 ઓવરટર્ન્ડ કન્વિક્શન સ્કીમ
હોરાઇઝન સ્કેમમાં 983 સબ પોસ્ટમાસ્ટરને દોષી ઠેરવાયાં છે જેમાંથી 700 કેસ પોસ્ટ ઓફિસ દ્વારા દાખલ કરાયા હતા. જે પીડિતોના ચુકાદા ઉલટાવી નખાયા છે તેઓ આ સ્કીમ અંતર્ગત વળતર માટે અરજી કરી શકે છે. અત્યાર સુધીમાં 93 પીડિતના ચુકાદા કોર્ટ દ્વારા ઉલટાવી દેવાયાં છે. હવે સરકારે તમામ ચુકાદા ઉલટાવી દેવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ તમામ પીડિતો વળતરના હકદાર બનશે. હકદાર પીડિતોને પ્રાથમિક ધોરણે 1,63,000 પાઉન્ડ પહેલા ચૂકવાશે.
3 હોરાઇઝન શોર્ટફોલ સ્કીમ
પોતે દોષી ઠરશે તેવા ભયથી કેટલાક સબ પોસ્ટમાસ્ટરોએ ખોટ ખાઇને પણ પોતાના બિઝનેસમાં રોકાણ કર્યું હતું. આ સ્કીમ એવો લોકો માટે છે જેમને દોષી ઠેરવાયા નથી કે જેઓ જીએલઓ ગ્રુપમાં આવતા નથી. આ સ્કીમ પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે. પોસ્ટ ઓફિસે જણાવ્યું છે કે હોરાઇઝન સિસ્ટમના કારણે ખોટ ગઇ છે તેમ લાગે છે તેવા સબ પોસ્ટમાસ્ટરો આ સ્કીમ અંતર્હત વળતર માટે અરજી કરી શકે છે.


