લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલની યોગ્ય તપાસમાં પોસ્ટ ઓફિસની નિષ્ફળતા જ ખરો અપરાધ છે. હોરાઇઝન આઇટી સ્કેન્ડલ ઉઘાડું પાડવામાં મદદ કરનાર ફોરેન્સિક એકાઉન્ટન્ટ ઇયાન હેન્ડરસન કહે છે કે હજુ તો ઘણા નુકસાનકારક સત્યો બહાર આવી શકે છે.
પોતે ન કર્યા હોય તેવા અપરાધ માટે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોને દોષી ઠેરવાયાં હતાં. પરંતુ આ તપાસકર્તા પોસ્ટ ઓફિસના સ્કેન્ડલ અંગે અન્ય કરતાં ઘણી માહિતી ધરાવે છે. તેમના અનુસાર અપરાધ તો થયાં છે પરંતુ તેના માટે ફક્ત પોસ્ટ માસ્ટરો જવાબદાર નથી. હેન્ડરસન કહે છે કે ખરો અપરાધ તો તપાસની નિષ્ફળતા છ. પોસ્ટ ઓફિસ તેના જ સબ પોસ્ટમાસ્ટરોને લૂટી રહી હતી પરંતુ કંપનીને ગયેલી ખોટ અંગે અન્ય વિકલ્પોની વિચારણા જ કરાઇ નહોતી. આ સ્કેન્ડલમાં સાચો અપરાધ તો આ છે.
હેન્ડરસન માને છે કે પોસ્ટ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓ એવી માન્યતામાં રાચતા હતા કે ટેકનોલોજી ક્યારેય ભૂલ કરી શકે નહીં. તેઓ કહે છે કે મેં હોરાઇઝન અને પોસ્ટ ઓફિસની તપાસ કરી રહેલી સમિતિને આપેલી ટેપ્સ ડાયનેમાઇટ સમાન પૂરવાર થશે.
2000થી 2015 વચ્ચે પોસ્ટ ઓફિસ દ્વારા 900 ખટલા ચલાવવામાં આવ્યા હતા જેમાંથી 700 સબ પોસ્ટમાસ્ટરને દોષી ઠેરવાયાં હતાં. 236 લોકોને જેલમાં મોકલાયાં હતાં જ્રે અન્ય 2800ને નાણા પરત ચૂકવવા કહેવાયું હતું.

