હોરાઇઝન સ્કેન્ડલમાં એશિયન મૂળના સબ પોસ્ટમાસ્ટરો સાથે વંશીય ભેદભાવ કરાતો હતો

પોસ્ટ ઓફિસનો સ્ટાફ કહેતો કે બધા જ ભારતીયો ફ્રોડ કરીને વિદેશોમાં નાણા મોકલી રહ્યાં છે

Tuesday 16th January 2024 12:05 EST
 
 

લંડનઃ દક્ષિણ એશિયન મૂળના પોસ્ટ ઓફિસ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, હોરાઇઝન સ્કેન્ડલમાં પોસ્ટ ઓફિસ દ્વારા જે રીતે વર્તન કરાયું તેના માટે રેસિઝમ પણ જવાબદાર હતું. બીબીસી સાથેની વાતચીતમાં એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમને એવું પ્રતીત કરાવાતું હતું કે, અમે વિદેશી છીએ અને તેમને લૂટી  લઇશું. બીબીસી દ્વારા હોરાઇઝન સ્કેન્ડલના સમયગાળામાં સબ પોસ્ટ માસ્ટર તરીકે કામ કરનારા 7 વ્યક્તિ સાથે વાતચીત કરાઇ હતી.

ભારતીય મૂળના એક સબ પોસ્ટમાસ્ટરે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ સ્ટાફના એક સભ્યે મને એમ કહ્યું હતું કે, બધા જ ભારતીયો ફ્રોડ કરી રહ્યાં છે. તેમના પરિવારજનો છે તેથી તેઓ નાણા લઇને વિદેશ મોકલી રહ્યાં છે. સાઉથ એશિયન મૂળના વધુ એક સબ પોસ્ટમાસ્ટરે જણાવ્યું હતું કે, અંગ્રેજી અમારી ફર્સ્ટ લેંગ્વેજ ન હોવાથી તેઓ અમારી સાથે અમે મૂર્ખ હોય તેવો વ્યવહાર કરી રહ્યાં હતાં. અમને બેઝિક એકાઉન્ટિંગમાં સમસ્યા નડતી હતી. બીજા એક પીડિતે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસનો સ્ટાફ અમારી સાથે એવું વર્તન કરતો હતો કે અમે વિદેશી છીએ અને તેમને લૂટવા આવ્યા છીએ.

બલવિન્દર ગીલ નામના પીડિતે જણાવ્યું હતું કે, 2004માં પોસ્ટ ઓફિસ સાથે 1,08,000 પાઉન્ડનું ફ્રોડ કરવાના આરોપ મારા પર મૂકાયા હતા તેના કારણે મારી જિંદગી બરબાદ થઇ ગઇ હતી. 2009માં ગીલની માતા કાશ્મીરને પણ પોસ્ટ ઓફિસ સાથે 57,000 પાઉન્ડના ફ્રોડ માટે ખોટી રીતે દોષી ઠેરવવામાં આવતાં આ પરિવારને બમણો ફટકો પડ્યો હતો.

ગીલ કહે છે કે મારા માતાપિતા સાથે એ રીતે વાત કરાતી હતી કે તેઓ મૂર્ખ છે કારણ કે તેઓ શ્વેત નથી. તેમને એવું પ્રતીત કરાવાતું હતું કે તેઓ સિસ્ટમને સમજી શક્તાં નથી. મારા માતાપિતા સાથે થતો વ્યવ્હાર રેસિઝમ જ હતું.

પૂર્વ સબ પોસ્ટમાસ્ટર વિપિન પટેલને 2011માં ફ્રોડ માટે દોષી ઠેરવાયાં હતાં. 2020માં તેમનો ચુકાદો ઉલટાવી નાખવામાં આવ્યો હતો. પટેલ કહે છે કે મારા ભારતીય મૂળ અને એક્સેન્ટના કારણે પોસ્ટ ઓફિસની હેલ્પલાઇનના કર્મચારીઓ પણ મારી સાથે સરખી વાતચીત કરતા નહોતા.

હોરાઇઝન સ્કેન્ડલમાં દોષી ઠરેલા સબ પોસ્ટમાસ્ટરોમાં 123 જેટલાં અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયના લોકો હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter