લંડનઃ પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલમાં ગર્ભવતી હોવા છતાં ખોટી રીતે જેલભેગા કરાયેલા પૂર્વ સબ પોસ્ટમિસ્ટ્રેસ સીમા મિશ્રાને હજુ સંપુર્ણ વળતર પ્રાપ્ત થયું નથી. વળતરની ચૂકવણીમાં થઇ રહેલા વિલંબની ટીકા કરતા તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય મુદ્દો જવાબદારીનો છે.
મિશ્રાએ જણાવ્યું હતું કે, વકીલો અને એકાઉન્ટન્ટ મારા ફાઇનલ ક્લેઇમ પર કામ કરી રહ્યાં છે. આ કૌભાંડે મારા જીવનના 21 વર્ષ છીનવી લીધાં છે. જૂન 2005માં અમે પોસ્ટ ઓફિસ બ્રાન્ચ ખરીદી તેના પહેલા જ દિવસથી અમારી સામે સમસ્યાઓ આવી રહી હતી અને 2008માં કાનૂની લડાઇ શરૂ થઇ ગઇ હતી. અમે અપેક્ષા રાખી નહોતી કે એક લોકતાંત્રિક દેશમાં આવું બની શકે છે.
મિશ્રાએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્તો ઇચ્છે છે કે તમામ પીડિતને વળતર ચૂકવાય પરંતુ હું ઇચ્છું છું કે ખોટા ચુકાદા માટે જવાબદાર તમામને જેલભેગા કરી દેવામાં આવે. જેથી પૂરવાર કરી શકાય કે દેશમાં સિસ્ટમ કામ કરી રહી છે અને કાયદાથી ઉપર કોઇ નથી. પોસ્ટ ઓફિસ આજે પણ જાણે કશું થયું જ નથી તેવી રીતે કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, એવું લાગી રહ્યું છે કે દેશમાં બે પ્રકારના કાયદા પ્રવર્તી રહ્યાં છે. એક કાયદો મારા અને તમારા જેવા સામાન્ય નાગરિકો માટે છે જ્યારે બીજો કાયદો સત્તાધીશો માટે છે. મને વળતર શબ્દ પણ ગમતો નથી કારણ કે અમે અમારા પોતાના જ નાણા પરત માગી રહ્યાં છીએ.


