લંડનઃ મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે બ્રિટને સ્પષ્ટ કર્યું છે કે તે ઈરાન સામેની અમેરિકી સૈન્ય નાકાબંધીમાં સીધી રીતે સામેલ થશે નહીં. બ્રિટિશ નૌકાદળના જહાજો કે સૈનિકોનો ઉપયોગ ઈરાની બંદરો તરફ જતા જહાજોને રોકવા માટે કરાશે નહીં, જોકે આ વિસ્તારમાં બ્રિટિશ માઈનસ્વીપર્સ અને એન્ટી-ડ્રોન સિસ્ટમ કાર્યરત રહેશે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ઈરાન સાથેની શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા તમામ જહાજો પર નાકાબંધી કરવાની જાહેરાત કરી છે
બ્રિટિશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે જળમાર્ગોની સ્વતંત્રતા અને હોર્મુઝની ખાડીને ખુલ્લી રાખવાના પક્ષમાં છીએ. વૈશ્વિક અર્થતંત્ર અને સામાન્ય જનતા પર વધતા મોંઘવારીના બોજને ઘટાડવા માટે આ માર્ગ ખુલ્લો રહેવો અત્યંત જરૂરી છે. વડાપ્રધાન સ્ટાર્મરે આ સંઘર્ષમાં સીધી લશ્કરી સંડોવણીનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે અને સતત તણાવ ઘટાડવા પર ભાર મૂક્યો છે.


