લંડનઃ યુકેના મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીએ ભારતીય ડાયસ્પોરા સુધી પહોંચવા માટે હોળીના તહેવારનો ઉપયોગ કર્યો હતો. બ્રિટિશ ઇડિયન થિન્ક ટેન્ક 1928 ઇન્સ્ટિટ્યુટ દ્વારા લંડનમાં આયોજિત ઇવેન્ટમાં પાર્ટીના નેતા કેર સ્ટાર્મરની સાથે લંડનના મેયર અને શેડો કેબિનેટના સભ્યો પણ હોળીની ઉજવણીમાં સામેલ થયાં હતાં.
આ પ્રસંગે સ્ટાર્મરે જણાવ્યું હતું કે, દેશમાં આગામી મહિનાઓમાં સંસદની ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટીનો નેશનલ રિન્યૂઅલનો સંદેશ પહોંચાડવાની આ પ્રસંગે તક મળી છે. આપણે વસંત ઋતુને આવકારી રહ્યાં છીએ. નવી શરૂઆતોની ઉજવણી કરવાનો આ સમય છે. આપણે જૂની બાબતો પાછળ છોડીને નવી બાબતોને આવકારવી જોઇએ.
તેમણે જણાવ્યું હતું કે, આપણા માટે આ સમય છે કે દેશભરના હિંદુઓના સમૃદ્ધ યોગદાન માટે, આપણા રાષ્ટ્રીય જીવનની આનુસંગિતતા માટે આભાર માનીએ અને આપણા સહિયારા મૂલ્યોની તાકાત અને સર્વસમાવેશકતા અને સખત પરિશ્રમની એક બીજા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને ઓળખીએ. નવીનીકરણ, સુધારણા, ઉજવણી અને કરુણ વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. હોળી આપણને સાથે મળીને માત્ર આનંદ જ નહીં પરંતુ ભવિષ્ય માટે આશા આપે છે. સત્ય દુષ્ટતા પર જીતે છે, પ્રકાશ અંધકાર પર વિજય મેળવે છે.