લંડનઃ અત્યાર સુધી વેક્સિન લેવામાં ખચકાટ ધરાવતા બર્મિંગહામ અને બ્લેક કન્ટ્રીના સેંકડો હોસ્પિટલ કર્મચારીઓએ વેક્સિનના સંપૂર્ણ ડોઝ લઈ લેવા અથવા નોકરીમાંથી હકાલપટ્ટી માટે તૈયાર રહેવાનું જણાવતા પત્રો ફેબ્રુઆરીથી મોકલવામાં આવનાર છે. હોસ્પિટલના અગ્રણીઓને ફ્રન્ટલાઈન સ્ટાફને ગુમાવવાના જોખમની ચિંતા છે પરંતુ, અત્યાર સુધી ડબલ વેક્સિન ડોઝ નહિ લેનારા સ્ટાફને ફરજમુક્ત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહિ હોવાનું માનવું છે.
એપ્રિલ મહિનાથી NHS ફ્રન્ટલાઈન સ્ટાફમાંથી કોઈ પણ વેક્સિન લીધા વિનાના હોય તેમને કામ કરવા પર પ્રતિબંધ લાદતો નિયમ અમલી બની રહ્યો છે ત્યારે ડબલ વેક્સિનેટેડ ન હોય અને કોઈ પણ પ્રકારે પેશન્ટ્સના સંપર્કમાં આવતો હોય તેવો હોસ્પિટલનો સ્ટાફ પ્રતિકાર કરે તો શું કરવું તેની ચિંતા સંચાલકોને થઈ છે. આના પરિણામે, આવા નર્સીસ, મેડિક્સ, પોર્ટર્સ, રીસેપ્શનિસ્ટ્સ અને સપોર્ટ સ્ટાફ સહિત ફ્રન્ટલાઈન સ્ટાફને તેઓ વેક્સિન નહિ લે તો નોકરીમાંથી હાથ ધોવાં સહિત શું થઈ શકે તેવી ચેતવણી આપતા પત્રો મોકલવામાં આવનાર છે. કોરોના અને ઓમિક્રોન વેરિએન્ટના વધતા સંક્રમણમાં હોસ્પિટલમાં એડમિશન્સનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સંચાલકોએ સ્ટાફને છૂટો કરવો પડશે તો તંગીની પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની ચિંતા છે.
સિટી અને સેન્ડવેલ હોસ્પિટલોમાં ૫૦૦૦નો સ્ટાફ છે જેમાંથી પાંચમાંથી એક (૨૦ ટકા) સ્ટાફે વેક્સિનના બંને ડોઝ લીધેલાં નથી. આમાંથી ૧૫ ટકાએ તો પ્રથમ ડોઝ પણ લીધો નથી. આવી જ પરિસ્થિતિ ક્વીન એલિઝાબેથ, હાર્ટલેન્ડ્સ, ગૂડ હોપ અને સોલિહલ હોસ્પિટલોનું સંચાલન કરતા યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ ખાતે છે. અહીં અંદાજે ૧૫ ટકા અસુરક્ષિત સ્ટાફમાંથી કેટલાએ બંને ડોઝ મેળવવાના બાકી છે તેની ચકાસણી કરાઈ રહી છે. અનેક કર્મચારીને ચેતવણીપત્રો મોકલી દેવાયા છે. પાર્લામેન્ટમાં નવેમ્બર મહિનામાં NHS ફ્રન્ટલાઈન સ્ટાફ માટે કોવિડ વેક્સિન્સ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો હતો ત્યારે પણ હોસ્પિટલની સેવા પર થનારી અસર વિશે ચિંતા દર્શાવાઈ હતી.


