હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને અપાતી સેન્ડવિચથી મોતનું જોખમ!

Monday 18th July 2016 08:22 EDT
 
 

લંડનઃ એક આઘાતજનક રિપોર્ટમાં ખાદ્યનિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હોસ્પિટલ્સમાં પેશન્ટ્સને ભોજન-નાસ્તામાં અપાતી પ્રી-પેક્ડ સેન્ડવિચ તેમના મોતનું કારણ બની શકે છે. જીવલેણ લિસ્ટેરિયા ઈન્ફેક્શન માટે પેશન્ટ્સના ખોરાકને તેઓ દોષિત ગણાવે છે. લિસ્ટેરિયા જીવાણુ મેનેન્જાઈટિસ થઈ શકે છે અને તેનાથી ચેપગ્રસ્ત ૩૦ ટકાના મોતનું કારણ બને છે. ફૂડ સેફ્ટી કંપનીઓ પણ ચેપગ્રસ્ત સેન્ડવિચીઝથી પેશન્ટ્સ મોત પામતા હોવાનું માને છે.

પેશન્ટ્સ માટે પ્રી પેક્ડ સેન્ડવિચીઝ સસ્તી અને પીરસવામાં સરળ હોવાથી હોસ્પિટલ્સમાં લોકપ્રિય મેનુ ગણાય છે. જોકે, ખાદ્યસુરક્ષા સલાહકારોએ આવી સેન્ડવિચમાં મેનેન્જાઈટિસ લાવી શકતા જીવલણ લિસ્ટેરિયા જીવાણુ હોવાની ચેતવણી આપી છે. આ જીવાણુનો ચેપ લાગેલા લોકોમાંથી ૩૦ ટકા મોતનો શિકાર બને છે. સત્તાવાર આંકડા મુજબ ઈંગ્લેન્ડમાં દર વર્ષે આશરે ૫૦ લોકો લિસ્ટેરિયા જીવાણુથી મોતને ભેટે છે.

પ્રી-પેક્ડ સેન્ડવિચમાં માંસ,ચીઝ, પ્રાઉન્સ અને ઈંડાના ફિલિંગ્સ હોય છે, જ્યાં આ જીવાણુ ઉછરે છે. સેન્ડવિચની બનાવટ અને વપરાશમાં જેટલા દિવસો જાય તેનાથી જીવાણુઓ વધતાં જાય છે. જીવાણુનો ઉછેર અટકાવવા સેન્ડવિચને અતિ ઠંડા તાપમાનમાં રાખવી જોઈએ તેની સમજ લોકોમાં હોતી નથી, તેમ નિષ્ણાતોના રિપોર્ટમાં જણાવાયું હતું. દર્દીને સેન્ડવિચ અપાય તે પહેલા દિવસો સુધી ટ્રોલીમાં પડી રહે છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા કરાવાયેલા રિપોર્ટના પરિણામે લિસ્ટેરિયાનું જોખમ ઘટાડવા હોસ્પિટલ્સ અને કેર હોમ્સમાં તેના ઉપયોગ વિશે નવી ગાઈડલાઈન્સ જારી કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter