હૌન્સલોના ક્રિસ અરોરાનો આઇક્યૂ આઇન્સ્ટાઇન કરતાં પણ વધુ

10 વર્ષનો વિદ્યાર્થી સંગીત, ચેસ અને મેથ્સમાં અત્યંત નિપુણ

Tuesday 03rd December 2024 10:05 EST
 
 

લંડનઃ હૌન્સલોમાં વસવાટ કરતા ભારતીય મૂળના 10 વર્ષીય વિદ્યાર્થી ક્રિસ અરોરાનો આઇક્યૂ વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન કરતાં પણ વધુ છે. ક્રિસ અરોરાનો આઇક્યૂ 162 છે જ્યારે આઇન્સ્ટાઇનનો આઇક્યૂ 160 હતો. ક્રિસ 4 વર્ષનો હતો ત્યારથી કડકડાટ વાંચન કરી શક્તો હતો અને જટિલ ગાણિતિક કોયડા ઉકેલી શક્તો હતો.

ઇજનેર માતાપિતા મૌલી અને નિશ્ચલનો પુત્ર ક્રિસ સ્ટેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વર્ડ પઝલ તો ફકત એક કે બે મિનિટમાં ઉકેલી નાખે છે. ક્રિસ ફક્ત 4 મહિનાથી ચેસની રમત રમી રહ્યો છે પરંતુ તેણે 1600નું ફાઇડ રેટિંગ ધરાવતા તેના મેન્ટરને પણ પરાજિત કરવાનું શરૂ કરી દીધું છે. તેના માતાપિતા કહે છે કે અમારો પુત્ર હવે અમને દરેક મામલામાં માત આપી શકે છે.

હવે ક્રિસને ઉચ્ચ આઇક્યૂ ધરાવતા ટોચના લોકોની સોસાયટી મેન્સામાં સામેલ કરાયો છે. તેણે મેન્સાની પ્રવેશ પરીક્ષા પણ પસાર કરી લીધી છે. ક્રિસ સંગીતમાં પણ નિપુણ છે. તે પિયાનો સારી રીતે વગાડી શકે છે.

ક્રિસ કહે છે કે તે ક્યાં તો પિયાનોવાદક બનશે અથવા તો મેથ્સમાં કારકિર્દી બનાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter