લંડનઃ બ્રિટનના સમુદ્રી તટવર્તી વિસ્તારોમાં ૨૦૮૦ સુધીમાં આશરે ૧૦૦,૦૦૦ પ્રોપર્ટી સામે ધોવાણનું અને આશરે ૧.૨ મિલિયન ઘરને પૂરનું જોખમ છે તેમ કમિટી ઓન ક્લાઈમેટ ચેન્જના નવા રિપોર્ટમાં જણાવાયું છે. બ્રિટનના કોસ્ટલ વેટલેન્ડ્સ વધતા સમુદ્રીસ્તરમાં ડૂબી અદૃશ્ય બની જશે. ઈંગ્લિશ કાંઠાવિસ્તારો નિયમિત પૂર અને ખવાણ થતું હોવાથી સમુદ્રી લેવલ ઊંચા જવાનો સામનો કરવા નવી રણનીતિ જરુરી હોવાનું ક્લાઈમેન્ટ ચેન્જ સલાહકારોએ જણાવ્યું છે.
નોર્થ નોરફોલ્ક અને સાઉથ ડેવોન જેવાં અસલામત વિસ્તારોમાં રહેતી કોમ્યુનિટીઝ આવી દુર્ઘટનાઓનો સામનો કરતી આવી છે. અહીંના ઘરો પૂરથી જળબંબાકાર બને છે અને સમુદ્રકિનારે ચટ્ટાનો પર બંધાયેલા મકાનો તૂટીને જળના મોજાંઓ પર પડતાં રહે છે. આગામી દાયકાઓમાં ક્લાઈમેટ ચેન્જની અસરોના કારણે સ્થિતિ વધુ ખરાબ થશે તેવી ચેતવણી નિષ્ણાતોએ આપી છે. ક્લાઈમેટ ચેન્જના કારણે યુકેના સમુદ્રના જળસ્તરમાં વર્ષ ૨૧૦૦ સુધીમાં ઓછામાં ઓછાં એક મીટરનો વધારો થવાની ધારણા છે.
આ રિપોર્ટ અંગે સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે સરકાર આગામી છ વર્ષમાં ૧૭૦,૦૦૦ મકાનોનાં રક્ષણ માટે તટવર્તી ધોવાણ અને સમુદ્રી પૂર પ્રોજેક્ટમાં ૧.૨ બિલિયન પાઉન્ડના રોકાણ કરવા કટિબદ્ધ છે. જોકે, ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાની યોગ્ય રણનીતિ પાછળ ૧૮થી ૩૦ બિલિયન પાઉન્ડનો ખર્ચ થઈ શકે છે પરંતુ, તે ફેરફારના દર પર આધાર રાખે છે


