લંડનઃ વડા પ્રધાન થેરેસા મે યુકેમાં વધુ ગ્રામર સ્કૂલ્સ બાંધવામાં આવે તે વિચાર તરફ સહાનુભૂતિ ધરાવે છે. વર્તમાન ગ્રામર સ્કૂલ્સ સાથે સંકળાયેલા ‘સેટેલાઈટ કેમ્પસીસ’ના નિર્માણનો ખ્યાલ નવો નથી. નવી નગ્રામર સ્કૂલ્સ બાંધવા પર પ્રતિબંધ હોવાથી ઓછામાં ઓછી ૧૦ કાઉન્સિલ વર્તમાન ગ્રામર સ્કૂલ્સ સાથે સંકળાઈને ‘સેટેલાઈટ કેમ્પસીસ’ સ્થાપવા વિચારે છે. નવા એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગ પર આ મુદ્દે ખૂલ્લું મન ધરાવે છે. નવી કેબિનેટમાં ગ્રામર સ્કૂલ્સના પૂર્વ વિદ્યાર્થીની સંખ્યા ત્રણથી વધીને આઠ થઈ છે.
પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે ૧૯૯૮માં નવી ગ્રામર સ્કૂલ્સના બાંધકામ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને ડેવિડ કેમરન પણ વર્તમાન સ્કૂલ્સના વિસ્તરણ સુધી જ આગળ વધ્યા હતા. હવે મનાય છે કે થેરેસા મે નવી ગ્રામર સ્કૂલ્સના નિર્માણ માટે કાયદામાં પરિવર્તન લાવી શકે છે. આ મુદ્દે રાજકીય ચર્ચા પણ છેડાઈ ગઈ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં ૫૦ વર્ષમાં પહેલી વખત સરકારે પહેલી ગ્રામર સ્કૂલને બહાલી આપી હતી, જેમાં ટોનબ્રિજમાં વીલ્ડ ઓફ કેન્ટ ગ્રામર સ્કૂલના જોડાણને પરવાનગી અપાઈ હતી. નવી સ્કૂલ ૧૦ માઈલના અંતરે સેવનઓક્સમાં હશે.
ગ્રામર સ્કૂલ્સના જોડાણ માટે બકિંગહામશાયર, ક્રોયડન અને બેડફર્ડશાયર કાઉન્સિલો અગ્રેસર છે. આ ઉપરાંત, બર્મિંગહામ અને પૂલ, ડોર્સેટ તથા યોર્કશાયર, રીડિંગ, ટ્રેફોર્ડ, વોરવિકશાયર અને એસેક્સમાં પણ ભવિષ્યમાં વિસ્તરણની શક્યતા જોવાય છે.


