૧૦ મહિનામાં ૪૩ ટેસ્ટ પોઝિટિવઃ ડેવ સ્મિથની અજબ કોરોના કહાણી

Wednesday 30th June 2021 06:37 EDT
 
 

લંડનઃ યુકેના બ્રિસ્ટોલમાં ૭૨ વર્ષીય કોરોના દર્દી ડેવિડ (ડેવ) સ્મિથનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. તેમને કોરોનામાંથી સાજા થવામાં ૧૦ મહિના લાગી ગયા છે. ડેવ સ્મિથે આ ૧૦ મહિનામાં ૪૩ વખત કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને દરેક વખતે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્મિથની સારવાર બે એન્ટી-વાઇરલ દવાઓના મિશ્રણથી કરવામાં આવી હતી.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બ્રિટનના બ્રિસ્ટોલ શહેરમાં રહેતા ૭૨ વર્ષના ડેવિડ સ્મિથ ૧૦ મહિના સુધી સતત કોરોના પોઝિટિવ રહ્યા. આ કોરોના-૧૯નો અત્યાર સુધીનો સૌથી લાંબો કેસ છે. સ્મિથે જણાવ્યું હતું કે તેમણે ૪૩ વખત કોરોના ટેસ્ટ કરાવ્યો અને દરેક વખતે પરિણામ પોઝિટિવ આવ્યા હતા.

BBCને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં સ્મિથે પોતાના અનુભવ જણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોરોનાને કારણે તેમને ૭ વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેઓ એટલા પરેશાન થઈ ગયા હતા કે પોતાના અંતિમસંસ્કારનું આયોજન પણ કરી લીધું હતું. બ્રિસ્ટોલ યુનિવર્સિટી અને નોર્થ બ્રિસ્ટોલ NHS ટ્રસ્ટના એક્સપર્ટે કહ્યું હતું કે સ્મિથના સમગ્ર શરીરમાં એક્ટિવ કોરોના વાઈરસ પ્રસરી ગયો હતો.

સ્મિથે જણાવ્યું હતું કે તેમનું એનર્જી લેવલ ઘણું જ ઓછું થઈ ગયું હતું. એક રાતે તો તેઓ પ કલાક સુધી તેઓ ખાંસતા રહ્યા હતા. તેમણે પત્નીને અલવિદા પણ કહી દીધું હતું. તેમની પત્ની લિન્ડાએ જણાવ્યું હતું કે અનેક વખતે અમને લાગ્યું કે સ્મિથ હવે જીવિત નહિ બચે.

ખાસ પ્રકારની દવાથી સ્વસ્થ થયા

સ્મિથની સારવાર બે એન્ટી-વાઇરલ દવાઓના મિશ્રણથી કરવામાં આવી, જેમાં બે સપ્તાહનો સમય લાગ્યો. અમેરિકાની કંપની રેજેનરોને દવા ઉપલબ્ધ કરાવી હતી. સ્મિથે કહ્યું હતું કે જ્યારે ડોકટરે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની જાણકારી આપી તો તેમને વિશ્વાસ જ ન થયો. એ બાદ એક સપ્તાહ પછી બીજી વખત ટેસ્ટ કરાવ્યો ત્યારે પણ રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો. બીબીસીના રિપોર્ટ અનુસાર સ્મિથે ૧૦ સ્ટોન (૧૪૦ પાઉન્ડ – ૬૩.૫ કિલોગ્રામ) વજન ગુમાવ્યું હતું જ્યારે ગાર્ડિયન અખબારે ૮.૫ સ્ટોન (૧૧૯ પાઉન્ડ – ૫૩.૯૭૭ કિલોગ્રામ) વજન ગુમાવ્યાનું જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter