લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે તેના ત્રિમાસિક મોનેટરી પોલિસી રિપોર્ટમાં કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રની મંદી ધાર્યા કરતાં ઓછી રહેવાની આશા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે GDPમાં ૯.૫ ટકાનો ઘટાડો નોંધાશે. અગાઉનો અંદાજ ૧૪ ટકાના ઘટાડાનો હતો. આમ છતાં, યુકેના બિઝનેસીસ ૨૦૨૧ના અંત પહેલા ૨૦૧૯ના તે હતી તેવી પૂર્વવત સ્થિતિમાં આવી શકશે નહિ. જોકે, બેરોજગારી દર ૩.૯ ટકાથી વધીને ૭.૪ ટકા થવાથી આ વર્ષે ૧૦ લાખ લોકો પોતાની નોકરી ગુમાવશે તેવી આશંકા પણ વ્યક્તિ કરાઈ છે. વર્તમાન આગાહી અનુસાર ૯.૪ મિલિયન ફર્લો નોકરીઓના ૧૫ ટકા નોકરી ગુમાવવી પડશે.
કોરોના મહામારી વચ્ચે અર્થતંત્રની મંદી ધાર્યા કરતાં ઓછી રહેવાની આશા બેન્ક ઓફ ઈંગ્લેન્ડે વ્યક્ત કરી છે. બેન્કની ત્રિમાસિક મોનેટરી પોલિસી રિપોર્ટમાં આ વર્ષે જીડીપીમાં ઘટાડો ૧૪ ટકા નહિ પરંતુ, ૯.૫ ટકાનો રહેશે તેમ જણાવાયું છે. બેન્કે પોતાના રેટસ ૦.૧ ટકાની વિક્રમી નીચા સ્તરે રાખવાનો તેમજ અર્થતંત્રને ગતિ આપવા ૭૪૫ બિલિયન પાઉન્ડની ચલણી નોટ્સ છાપવા નિર્ણય કર્યો છે.
બીજી તરફ, બેરોજગારીનો વર્તમાન દર ૩.૯ ટકા છે તે વધીને ૭.૪ ટકા સુધી પહોંચવાની આશંકા વ્યક્ત થઈ છે અને આશરે એક મિલિયન લોકો સરકારી સહાય મેળવવાની લાઈનમાં હશે. બેરોજગારી દર વર્ષ ૨૦૨૨ના અંત સુધી કોરોના મહામારીની અગાઉની સ્થિતિએ પહોંચશે નહિ. રિપોર્ટ અનુસાર ૨૦૨૧ના પ્રથમ ક્વાર્ટરમાં બેરોજગારી દર ૧૩ ટકાની ટોચે પહોંચી જશે અને ૪ મિલિયનથી વધુ લોકો સરકારી સહાય માટેની લાઈનમાં હશે. આ ૧૯૮૪ના બેરોજગારી દર ૧૧.૯ ટકાથી વધુ ખરાબ હાલત હશે અને ૧૯૭૦ના દાયકામાં રેકોર્ડ્સ નોંધાવા લાગ્યા તે પછીની ટોચે હશે.