લંડનઃ યોગમાં વિશિષ્ટ પ્રદાન અને સિદ્ધિઓ મેળવવા બદલ યુકેના મૂળ ભારતીય ઈશ્વર શર્માને ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડીજી એવોર્ડ ૨૦૨૦ એનાયત કરાયો હતો. ગઈ ૩જી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગ્લોબલ ચાઈલ્ડ પ્રોડીજી ફાઉન્ડેશન દ્વારા આયોજીત સમારોહમાં ૧૦ વર્ષીય અંડર - ૧૧ યોગ ચેમ્પિયન ઈશ્વરને આ એવોર્ડ અપાયો હતો. સાઉથ ઈસ્ટ ઈંગ્લેન્ડના કેન્ટમાં રહેતા ઈશ્વર શર્માની યુકે માટે પસંદગી કરાઈ હતી. સમારોહમાં ૪૫ દેશના કુલ ૧૦૦ બાળકોને પેલિઓન્ટોલોજી, બાઈકિંગ, કોરિયોગ્રાફી, ફીટનેસ અને માર્શલ આર્ટ્સ સહિત વિવિધ ૩૦ કેટેગરીમાં એવોર્ડ અપાયા હતા.
ઈશ્વર શર્માએ જણાવ્યું હતું,‘ આ એવોર્ડ મળવાથી હું ખૂબ આનંદ અને માનની લાગણી અનુભવું છું. હું માનું છું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ ખૂબ મહત્ત્વનો છે.’ આ પ્રસંગે નોબેલ વિજેતા કૈલાશ સત્યાર્થી અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર ડો. કિરણ બેદી ઉપસ્થિત રહ્યા હતા.
મૂળ ભારતના મૈસુરના ઈશ્વર શર્માએ યુકે અને દુનિયાભરમાં ૧૦૦થી વધુ ઇવેન્ટ્સમાં ભાગ લઇ ચૂક્યો છે. કેન્ટની સેન્ટ માઇકલ્સ પ્રિપરેટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ઇશ્વરને બર્મિંગહામમાં યોજાયેલી છઠ્ઠી એન્યુઅલ એવોર્ડ્સ સેરેમનીમાં યંગ એચિવર કેટેગરીમાં ‘બ્રિટિશ ઇન્ડિયન ઓફ ધ યર’ તરીકે નવાજવામાં આવ્યો હતો.
ઇશ્વરના પિતા વિશ્વનાથ શર્મા પણ યોગ કરે છે. ઇશ્વરને વેદ અને ભગવદ ગીતાના ૫૦ શ્લોક પણ કંઠસ્થ છે. અગાઉ તેણે ગયા મે મહિનામાં તુર્કીમાં યુરો એશિયન યોગ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તે આગામી ઓક્ટોબરમાં કેનેડામાં યોજાનારી વર્લ્ડ યોગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.


