લંડનઃ રમૂજમાં ભલે કહેવાતું હોય કે નાક અને કામનું મુખ્ય કામ ચશ્માને પડી જતાં અટકાવવાનું છે પરંતુ, જે લોકોને આ મહત્ત્વના અંગો વિના જિંદગી જીવવાની થાય તેમને જ ખબર પડે કે તેમનું શું મહત્ત્વ છે. સાઉથ વેલ્સમાં પેમબ્રોકશાયરના મિલફોર્ડ હેવનની નિવાસી ૧૦ વર્ષીય બાળા રાદિયાહ મિયાંની જિંદગી બદલાઈ જવાની છે કારણકે બ્રિટનમાં ‘થ્રીડી-3D બાયોપ્રિન્ટેડ’ કાન લગાવનાર તે પ્રથમ વ્યક્તિ બનવાની આશા સર્જાઈ છે. યુનિવર્સિટી ઓફ સ્વાનસીના સંશોધકોને પાયારુપ પ્રોજેક્ટ માટે ૨.૫ મિલિયન પાઉન્ડનું ભંડોળ પ્રાપ્ત થયું છે.
રાદિયાહને જન્મથી ડાબો કાન નથી એટલે કે તે સંપૂર્ણ રીતે રચાયો નથી જે સ્થિતિ માઈક્રોટીઆ- તરીકે ઓળખાય છે. યુનિવર્સિટી ઓફ સ્વાનસીના સંશોધકોના જણાવ્યા અનુસાર સંભવિત નવી પ્રોસિજર જેમના પર કરી શકાય તેમની યાદીમાં રાદિયાહનું નામ પ્રથમ છે. તેને પ્રયોગશાળામાં તૈયાર કરાયેલો ડાબો કાન મૂકી અપાશે. આ માટે લગભગ તેના નાકમાંથી કાર્ટિલેજ કોષનું નાનું સેમ્પલ મેળવાશે અને તેના ઉપયોગથી કાનના આંતરિક માળખાની રચના કરવામાં આવશે.
સ્વાનસી યુનિવર્સિટી મેડિકલ સ્કૂલમાં પ્લાસ્ટિક સર્જરીના પ્રોફેસર અને હેલ્થ એન્ડ કેર રિસર્ચ વેલ્સના સર્જિકલ સ્પેશિયાલિટી વડા ઈયાન વ્હિટકરની આગેવાની હેઠળના પ્રોજેક્ટને ચેરિટી સ્કાર ફ્રી ફાઉન્ડેશન અને હેલ્થ એન્ડ કેર રિસર્ચ વેલ્સ દ્વારા નાણાભંડોળ અપાયું છે. પ્રોફેસર વ્હિટકરે ચાર વર્ષમાં પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ થવાની આશા દર્શાવી છે.
રાદિયાહના ૩૭ વર્ષીય પિતા રાણાએ જણાવ્યું હતું કે ‘આ પ્રોસિજરથી તેમની દીકરીનો આત્મવિશ્વાસ વધી જશે. નવી ટેકનોલોજી વિના તેણે કદાચ ઓપરેશન કરાવવું પડે અને પરિણામે ખોપરીના નીચેના ભાગે તેમજ સર્જન્સ જ્યાંથી નવા કાનની રચના માટે કાર્ટિલેજ મેળવે તેવા પાંસળીના ઉપરના ભાગે ચીરાનો મોટો ઉછરડો દેખાતો રહે. જો લેબોરેટરીમાં જ કાન ઉગાડાય તો રાદિયાહને વાઢકાપની કોઈ નિશાની રહેશે નહિ.’
સ્વાનસી યુનિવર્સિટી ખાતે પ્રોફેસર વ્હિટકરની ટીમ ફેસિયલ રિકન્સ્ટ્રક્શન સર્જરીમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ટિલેજનું સર્જન કરવાની વૈશ્વિક દોડમાં અગ્રક્રમે છે. સંશોધન અનુસાર નાક અથવા કાન સંપૂર્ણપણે વિકસ્યા ન હોય તેવા લોકો પોતાના જ ટિસ્યુમાંથી નાક-કાન બનાવાય તેમ ઈચ્છે છે. આ સંશોધન નાક અને કાનના કાર્ટિલેજના ઉપયોગથી અંગો ઉગાડવાનું લક્ષ્ય ધરાવે છે. 3D પ્રિન્ટિંગ પ્રોસેસ માટેની ‘ઈન્ક’માં સ્ટેમ સેલ્સ મુખ્ય છે જે આગળ વિકસીને કાર્ટિલેજ બને છે. પેશન્ટના ટિસ્યુમાંથી લેવાયેલા કોષના કારણે કોમ્પ્લિકેશન્સ ટાળી શકાય છે. રોયલ કોલેજ ઓફ સર્જન્સ દ્વારા જીવંત ટિસ્યુઝના થ્રીડી પ્રિન્ટિંગની ક્ષમતા રિજનરેટિવ મેડિસીનના ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ ગણાવાઈ છે.