૧૦૦ મિલિયન પાઉન્ડમાં ઈસા બ્રધર્સે લીઓન ખરીદી

Thursday 22nd April 2021 03:01 EDT
 
 

લંડનઃ ગુજરાતી મૂળના બ્રિટિશ બિલિયોનેર બિઝનેસમેન ભાઈઓ - મોહસીન અને ઝુબેર ઈસાએ બ્રિટનની વિખ્યાત ફાસ્ટફૂડ ચેઈન લીઓનને ૧૦૦ મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધી હતી. લીઓન ફાસ્ટફૂડ કંપનીના કુલ ૭૦ રેસ્ટોરાં છે. લીઓનની ખરીદી પછી તેમની નજર ‘કાફે નીરો’ પર છે. ઈસા બંધુઓ ફાસ્ટફૂડ રેસ્ટોરાં તેમજ સંભવિત કોફી શોપ્સ મારફત બિઝનેસ સામ્રાજ્યને વધારી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વતની અને લેન્કેશાયરના બ્લેકબર્નમાં રહેતા ઈસા ભાઈઓનો પરિવાર ૭૦ના દશકામાં ગુજરાતથી બ્રિટન સ્થાયી થયો હતો.

ગુજરાતી મૂળના બિઝનેસમેન ભાઈઓ મોહસીન અને ઝુબેર ઈસાએ બ્રિટનની વિખ્યાત ફૂડ ચેઈન લીઓનને ખરીદી લીધી છે. ફાસ્ટફૂડ ચેઈન લીઓનને ખરીદવા માટે ગુજરાતી ભાઈઓએ ૧૦૦ મિલિયન પાઉન્ડ એટલે કે ૧૦૪૪ કરોડ રુપિયા ચૂકવ્યા હતા. થોડા સમય પહેલા જ તેમણે અસ્ડા સુપરમાર્કરેટની ખરીદી કરી હતી.
ફાસ્ટફૂડ ચેઈન લીઓનનો પ્રારંભ ૨૦૦૪માં થયો હતો. ત્રણ પાર્ટનર - જ્હોન વિન્સેન્ટ, હેનરી ડિમ્બલીબાય અને એલેગ્રા મેકઈવરે આ કંપનીની સ્થાપના કરી હતી. સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતી કંપનીની ગણતરી હેલ્ધી ફાસ્ટફૂડ કંપની તરીકે થતી હતી. આ કંપની બ્રિટનના બધા જ નાના-મોટા શહેરોમાં રેસ્ટોરાં અને કાફે ધરાવે છે. ઉપરાંત, નેધરલેન્ડ, આયર્લેન્ડ વગેરેમાં પણ આ કંપનીનું ફૂડ લોકપ્રિય છે.
મોહસીન ઈસા અને ઝુબેર ઈસાએ નિવેદનમાં કહ્યું હતું કે લીઓનના ત્રણેય માલિકોએ કંપનીને જાણીતી બનાવવામાં અને તેને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે. ગ્રાહકોમાં તેની વિશ્વસનીયતા સ્થાપિત કરવામાં પણ કંપનીએ દોઢ દશકામાં જે મહેનત કરી છે, તેને જાળવવા કટિબદ્ધ છીએ.
મોહસીન અને ઝુબેરના માતા-પિતા ગુજરાતમાંથી ૧૯૭૦માં બ્રિટન સ્થાયી થયા હતા. ઈસા પરિવારે સ્થાપેલી કંપની ઈજીમાં ૪૪,૦૦૦ કર્મચારીઓ કાર્યરત છે. યુરોપ-અમેરિકા-ઓસ્ટ્રેલિયામાં કંપનીની ૬૦૦૦ ઓફિસ છે. બ્રિટનના ધનવાનોની યાદીમાં આ કંપનીના માલિકો મોહસીન અને ઝુબેરનો સમાવેશ થાય છે.
ઈસાબંધુઓની નજર હવે ‘કાફે નીરો’ કોફી હાઉસ ચેઈન પર છે. સન્ડે ટેલિગ્રાફના રિપોર્ટ અનુસાર ઈસા બ્રધર્સે ઈન્વેસ્ટમેન્ટ બેન્ક મોર્ગન સ્ટેન્લી મારફત સ્વિસ પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ પાર્ટનર્સ ગ્રૂપ પાસેથી આશરે ૧૪૦ મિલિયન પાઉન્ડની લોન્સ મેળવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter