લંડનઃ પાર્લામેન્ટના સ્ટેટ ઓપનિંગ માટે મંગળવાર ૧૧ મેનો દિવસ નિશ્ચિત કરાયો છે. ક્વીનના સંભાષણ સાથે સરકારના આગામી સત્રના એજન્ડા તેમજ મહામારીમાંથી ઉભા થઈને નવનિર્માણની યોજના અને દેશભરમાં એકસમાન તક મળી રહે તેના આયોજનને ખુલ્લું મૂકવામાં આવશે.
ક્વીન્સ સ્પીચમાં પોલીસ, ક્રાઈમ સેન્ટન્સિંગ અને કોર્ટ્સ બિલ, એન્વિરોન્મેન્ટ બિલ અને આર્મ્ડ ફોર્સીસ બિલ સહિત સંખ્યાબંધ બિલ્સને આ પાર્લામેન્ટરી વર્ષથી આગળ લઈ જવાને સમર્થન અપાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે બિલ્ડિંગ સેફ્ટી રેગ્યુલેટર નિયમો, એસાઈલમ સિસ્ટમમાં સુધારા અને નિશ્ચિત મુદતના પાર્લામેન્ટ્સ એક્ટને નાબૂદ કરવાના ખરડાઓ રજૂ કરશે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા વિશેષ ઝાકમઝોળ વિનાના કોવિડ સુરક્ષિત સમારંભ સાથે સ્ટેટ ઓપનિંગને અપનાવી લેવાશે તેમ જણાય છે. સરકાર, પેલેસ અને પાર્લામેન્ટરી ઓથોરિટીઝ તથા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ આની યોજનાઓ વિકસાવવા કાર્યરત છે.

