લંડનઃ NHSના સ્ટાફ માટે કોવિડ વેક્સિનેશન ફરજિયાત કરાઈ રહ્યું છે ત્યારે અન્ય બીમારીઓ માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૧૧,૬૮૮ લોકોને કોવિડનો ચેપ લાગતા મોતને ભેટ્યા હોવાનું બહાર આવ્યું છે. આના પરિણામે, હોસ્પિટલો વાઈરસ માટે ઉછેરકેન્દ્ર બની ગઈ હતી અને વાઈરસના પ્રસારને અટકાવવા દ્વારા પૂરતાં પગલાં લેવાયાં ન હતા તેવી ચિંતા ફેલાઈ છે. જોકે, NHSઈંગ્લેન્ડ દ્વારા આ વિશ્લેષણને ખામીપૂર્ણ ગણાવાયું હતું.
ટેલિગ્રાફ અખબારના અહેવાલ અનુસાર અન્ય બીમારીઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા હજારો પેશન્ટ્સને સંભવતઃ કોવિડનો ચેપ લાગ્યો હતો અને પરિણામે મોતને ભેટ્યા હોવાનું હોસ્પિટલના ડેટામાં જણાવાયું છે. ટેલિગ્રાફે ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદાઓ હેઠળ ઈંગ્લેન્ડના હોસ્પિટલ ટ્રસ્ટ્સ પાસેથી આ ડેટા મેળવ્યો હતો. યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામના રેકોર્ટ મુજબ ૪૮૪ પેશન્ટના મોત થયા હતા તેમને હોસ્પિટલના વોર્ડમાં જ કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો. યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ દ્વારા ૧૮,૦૦૦થી વધુ કોવિડ-૧૯ પેશન્ટ્સને સારવાર અપાઈ હતી. કેટલાક ટ્રસ્ટ્સમાં કોવિડથી મોતને ભેટેલા ત્રીજા ભાગના પેશન્ટને હોસ્પિટલમાં જ વાઈરસનો ચેપ લાગ્યો હતો.
હોસ્પિટલ ટ્રસ્ટ્સ દ્વારા ૪૦,૨૨૯ લોકોને હોસ્પિટલમાંથી સંભવિત અને ચોક્કસ કોવિડ સંક્રમણ લાગ્યું હોવાનું પણ જણાવાયું હતું. હોસ્પિટલમાં દાખલ થયાના ૮થી ૧૪ દિવસના ગાળામાં પેશન્ટ ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે તે સંભવિત ગણાય જ્યારે ૧૪ દિવસ પછી ટેસ્ટ પોઝિટિવ આવે ત્યારે ચોક્કસ હોસ્પિટલમાંથી જ સંક્રમિત થયાનું કહેવાય છે.


