લંડનઃ ભારતીય મૂળની ૧૨ વર્ષીય રીતીશા બૈદ્યરાયે તાજેતરમાં Mensa IQ ટેસ્ટમાં ૧૬૨ પોઈન્ટ મેળવ્યા હતા. જે આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકિંગ્સના ૧૬૦ પોઈન્ટથી વધુ છે. તેના પિતા ડો. રુદ્રપ્રસાદ બૈદ્યરાય ટ્રોમા અને ઓર્થોપેડિક સર્જન છે. જ્યારે તેની માતા ડો. મૌમિતા ચટ્ટોપાધ્યાય ડર્મેટોલોજિસ્ટ છે. તે બન્ને કોલક્તાના છે.
રીતીશા બર્મિંગહામની જાણીતી કિંગ એડવર્ડ VI હાઈસ્કૂલ ફોરગર્લ્સની યર ૭ની વિદ્યાર્થિની છે. તેણે સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામમાં એકેડેમિક સ્કોલરશિપ અને પ્રતિષ્ઠિત ફાઉન્ડેશન સ્કોલરશિપ મેળવી હતી. ૨૦૧૬માં રીતીશા નવ વર્ષની હતી ત્યારે તે યુકે નેશનલ જુનિયર લેંગ્વેજ ચેલેન્જ ચેમ્પિયનશિપમાં વિજેતા બની હતી અને ૫,૦૦૦ પાઉન્ડના પ્રાઈઝમનીના ભાગરૂપે તેણે આફ્રિકાના મલાવીની એક સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યારથી તેની મોટી સિદ્ધિઓ હાંસલ કરવાની શરૂઆત થઈ હતી. ૨૦૧૭ની બર્મિંગહામ ગ્રામર સ્કૂલ કન્સોર્શિયમની પરીક્ષામાં તે સૌથી વધુ માર્કસ સાથે ટોપર બની હતી. આ પરીક્ષામાં અત્યાર સુધી કોઈએ તેના જેટલા માર્ક્સ મેળવ્યા નથી.
જોકે, રીતીશા તેના શૈક્ષણિક જીવન અને સાંસ્કૃતિક તથા સંગીતના જીવન વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તે સમગ્ર યુકેમાં બંગાળી મુખપાઠ સહિતની તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં નિયમિત ભાગ લે છે. લંડન સિટી પેવેલિયનમાં ૨,૦૦૦થી વધુ દર્શકો સમક્ષ મુખપાઠ રજૂ કરવાથી લઈને તેની સંગીતમય પ્રતિભાની વિશ્વવ્યાપી લાઈવ ટેલિવિઝન સ્ટ્રીમીંગ દ્વારા થતી રજૂઆતને ખૂબ પ્રશંસા મળતી રહે છે. રીતીશા વાયોલા, વાયોલિન અને પિયાનો વાદનમાં તેમજ ગાયનમાં ટોચના ગ્રેડ ધરાવે છે. તે ખૂબ ખ્યાતિ મેળવનારા રોયલ બર્મિંગહામ કન્ઝર્વેટરીના ઓરકેસ્ટ્રાની સભ્ય છે. તે સ્કૂલ સિમ્ફની ઓરકેસ્ટ્રામાં પણ આ વાદ્યો વગાડે છે અને સ્કૂલના ક્વાયરની સભ્ય છે. રીતીશાએ મ્યૂઝિક અને સ્પીચ ફેસ્ટિવલ્સની કેટલીક સ્પર્ધામાં વિજય મેળવ્યો હતો. ભવિષ્યમાં તેની મહત્ત્વાકાંક્ષા આંત્રપ્રિન્યોર બનવાની છે.