લંડનઃ આરોગ્ય સેવાના ઈતિહાસમાં સૌથી વ્યાપક અને મોટા વેક્સિનેશન અભિયાનના ભાગરુપે NHS દ્વારા ૧૨-૧૫ વયજૂથના શાળાના બાળકો માટે કોવિડ-૧૯ વેક્સિન આપવાનો આરંભ કરાયો છે. સરકારે યુકેના ચીફ મેડિકલ ઓફિસરની ભલામણને સ્વીકારી લેતા આ વયજૂથના આશરે ૩ મિલિયન બાળકો ફાઈઝર વેક્સિનના એક ડોઝ માટે લાયક છે. સમગ્ર દેશમાં આ સપ્તાહથી જ સેંકડો શાળાઓમાં બાળકોને જેબ્સ આપવાના શરૂ થઈ જશે અને આગામી સપ્તાહોમાં NHS વેક્સિનેશન પ્રોગ્રામ અન્યો માટે પણ ચાલુ કરી દેવાશે.
ફ્લુ અને HPV વેક્સિન્સની માફક જ કોવિડ-૧૯ વેક્સિન લોકલ સ્કૂલ એજ ઈમ્યુનાઈઝેશન સર્વિસ (SAIS) દ્વારા અપાશે જેઓ તમામ શાળાઓ સાથે મળી વેક્સિન આપવા યોગ્ય બાળકોની ઓળખ કરશે. શાળાઓમાં વેક્સિનેશન પદ્ધતિ હેઠળ પેરન્ટ્સ અને વાલીઓને કોવિડ-૧૯ વેક્સિનેશનની માહિતી સાથે સંમતિપત્રો મોકલાઈ રહ્યા છે. પરિવારોએ તેમના બાળકને વેક્સિન અપાવવા NHSનો સંપર્ક કરવાની જરૂર નથી, શાળાઓ અને પ્રોવાઈડર્સ તેમના સંપર્કમાં રહેશે. દેશભરમાં ૬૦ SAIS છે જેમાં પીડિયાટ્રિક નર્સીસ અને સ્કૂલ નર્સિસ સહિત ક્લિનિકલ સ્ટાફ હોય છે. મોટા ભાગની શાળાઓમાં ઓક્ટોબરની હાફ ટર્મ પહેલા આ વયજૂથના બાળકોને વેક્સિન આપી દેવાની યોજના છે. જેઓ ઘરમાં શિક્ષણ મેળવી રહ્યા છે અથવા સલામત સેવાઓમાં છે તેમના સહિત શાળાઓમાં ન હોય તેવા તમામ બાળકોના વેક્સિનેશનની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
GP અને NHS કોવિડ-૧૯ વેક્સિનેશન પ્રોગ્રામના ડેપ્યુટી લીડ ડો. નિક્કી કાનાણીએ જણાવ્યું હતું કે,‘ અમારા સૌથી વ્યસ્ત ઉનાળાની સાથે NHS સ્ટાફ તેઓ ૧૨-૧૫ વયજૂથના યોગ્ય બાળકો માટે વેક્સિન આપવા સજ્જ હોવાની ચોકસાઈ સાથે શાળાઓ સાથે નિકટતાથી કામ કરશે. NHS કોવિડ-૧૯ વેક્સિનેશન પ્રોગ્રામ હેઠળ ૭૭ મિલિયનથી વધુ વેક્સિનેશન્સ કરી દેવાયા છે અને આગામી થોડાં દિવસોમાં સેંકડો શાળાઓમાં આ કાર્યક્રમ ચાલુ કરાશે.’
ડિસેમ્બર ૨૦૨૦માં કોવેન્ટ્રીમાં ક્લિનિકલ ટ્રાયલની બહાર માર્ગારેટ કીનાનને સૌપ્રથમ વેક્સિન અપાયા પછી ઈંગ્લેન્ડમાં NHS દ્વારા ઈતિહાસ રચાયો છે. ૪૦ મિલિયનથી વધુ લોકોએ વેક્સિનનો ઓછામાં ઓછો પ્રથમ ડોઝ મેળવ્યો છે જ્યારે ૩૬ મિલિયનથી વધુ લોકોએ બે ડોઝ સાથે કોવિડ સામે સંપૂર્ણ વેક્સિનેશન મેળવી લીધું છે.
શાળાની વયના બાળકો માટે ફલુ વેક્સિનનો સમય આ વર્ષે પણ લંબાવી દેવાયો છે જેથી પ્રાઈમરી સ્કૂલ અને ધોરણ ૭ના બાળકો તેમજ ધોરણ ૮થી ૧૧ના બાળકોને પણ તે વેક્સિન આપી શકાય. આનો અર્થ એ છે કે આ શિયાળામાં સેકન્ડરી સ્કૂલની વયના મોટા ભાગના બાળકો ફ્લુ અને કોવિડ-૧૯ના વેક્સિન માટે લાયક બનશે.