લંડનઃ યુકેના ૧૨.૬ મિલિયન નિવૃત્ત લોકોને એપ્રિલ ૨૦૨૨થી માસિક ૬૦ પાઉન્ડ પેન્શન વધુ મળતું થશે. કોવિડ-૧૯ મહામારી પછી દેશના લોકો પાછા કામધંધે વળગી રહ્યા છે ત્યારે વિક્રમી વેતનવધારાના કારણે સરકારી પેન્શનમાં સપ્તાહના ૧૫ પાઉન્ડ સુધીનો વધારો થઈ શકે છે.
જો કન્ઝર્વેટિવ પાર્ટી માન્ય રાખશે તો નિવૃત્ત લોકોને ૮.૪ ટકાનો પેન્શન વધારો મળશે. આનો અર્થ એ છે કે વર્તમાનમાં પ્રતિ સપ્તાહ મહત્તમ ૧૭૯.૬૦ પાઉન્ડ પેન્શન મળે છે તે એપ્રિલ ૨૦૨૨થી વધીને ૧૯૪.૬૦ પાઉન્ડ થશે. વેતનમાં વધારાના કારણે સરકારી પેન્શનમાં વિક્રમજનક ૧૫ બિલિયન પાઉન્ડનો વધારો જોવા મળશે.
જોકે, સાંસદો કમાણીમાં આ વધારાને કૃત્રિમ ગણાવતા હોવાથી ટ્રિપલ લોક રદ કરવાની માગણી કરવાના છે. આ નિયમિત પેન્શન યુકે સરકારની કાનૂની નિવૃત્તિવયે પહોંચનારા લોકોને મળશે. હાલ સ્ત્રી અને પુરુષ માટે નિવૃત્તિની વય ૬૬ વર્ષની છે. સરકારી પેન્શન દર મહિને ૯૮૧,૩૯૯ સ્કોટિશ વર્કર્સ સહિત ૧૨.૬ મિલિયન લોકોને આવશ્યક નાણાકીય સહાય પૂરી પાડે છે.