લંડનઃ યુકેમાં સપ્ટેમ્બર મહિનામાં બાળકો શાળાએ જવાં લાગે તેના પ્રથમ સપ્તાહમાં નેશનલ હેલ્થ સર્વિસ (NHS) દ્વારા વેક્સિનેશનનું આયોજન કરાયું હોવાના અહેવાલો વચ્ચે બ્રિટનના આરોગ્ય વિભાગે ગત બુધવાર, ૨૫ ઓગસ્ટે સ્પષ્ટ કર્યું છે કે ૧૨-૧૫ વયજૂથના બાળકો માટે કોવિડ-૧૯ વેક્સિન લગાવવા વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.
ધ ટેલિગ્રાફ અખબારે NHS ઈંગ્લેન્ડની પ્રાદેશિક ઓફિસીસના ઈમેઈલ્સને ટાંકી જણાવ્યું હતું કે NHS ટ્રસ્ટોને ૧૨થી૧૫ વયના તંદુરસ્ત બાળકોના ૬ સપ્ટેમ્બરથી સંભવિત વેક્સિનેશન પ્રોગ્રામ માટે તૈયારી કરવા જણાવાયું છે. ઓળખ અપાયા વિના હેલ્થ અધિકારીઓ કહ્યું હતું કે સ્કૂલ વેકિસનેશન પ્રોગ્રામ હેઠળ બાળકોને વેક્સિન આપવા પેરન્ટ્સની સંમતિની જરૂર રહેશે નહિ.
હેલ્થ ડિપાર્ટમેન્ટે જોઈન્ટ કમિટી ઓન વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન (JCVI)નો ઉલ્લેખ કરી નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘મિનિસ્ટર્સને JCVI તરફથી આ વિષયે કોઈ સલાહ મળી નથી. અમે તમામ સંજોગો માટે તૈયાર રહેવાની ચોકસાઈ સાથે વિવિધ સિનારિયો માટે આયોજન કરતા જ રહીએ છીએ.’ બીજી તરફ, યુએસ, કેનેડા, ફ્રાન્સ અને નેધરલેન્ડ્સ સહિત કેટલાક દેશોમાં ૧૨ અને તેથી વધુ વર્ષના બાળકોને કોવિડ વેક્સિનેશન અપાય છે.
ઓગસ્ટ મહિનાના આરંભે JCVI દ્વારા ૧૬ અને ૧૭ વર્ષના તમામ બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની સલાહ અપાઈ હતી. અન્ય વયજૂથોની માફક તેમના માટે બીજા ડોઝનું સમયપત્રક અપાયું નથી.