લંડનઃ લેટિન ભાષામાં લખાયેલું સૌથી પ્રાચીન મનાતું બાઈબલ ૧૩૦૦થી વધુ વર્ષ પછી બ્રિટનમાં પાછું આવી રહ્યું છે. એંગ્લો સેક્સોન વિશ્વમાં મહાન ખજાનાઓમાંનું એક મનાતું બાઈબલ ‘ધ કોડેક્સ એમિઆટિનસ’ નોર્થ ઈસ્ટમાં વેરમાઉથ-જેરો મોનાસ્ટ્રીમાં પાદરીઓ દ્વારા આઠમી સદીની શરૂઆતે લખાયું હોવાનું મનાય છે. ૭૫ પાઉન્ડથી વધુ વજન ધરાવતું અને એક ફૂટની જાડાઈ સાથેનું બાઈબલ ઈ.સન ૭૧૬માં પોપ ગ્રિગોરી બીજાને ભેટ આપવા રોમ લઈ જવાયું હતું.
ફ્લોરેન્સની બિબિલોટેકા મેડિસીઆ લૌરેન્ઝિઆના લાયબ્રેરીએ ૨૦૧૮ના એંગ્લો-સેક્સોન કિંગડમ્સ પ્રદર્શન માટે આ બાઈબલ મોકલવા બ્રિટિશ લાયબ્રેરીને સંમતિ આપી છે. એક્ઝિબિશન ક્યુરેટર ડો. ક્લેર બ્રેઈએ જણાવ્યું હતું કે,‘ લેટિન ભાષામાં બાઈબલની આ સૌથી જૂની મેન્યુસ્ક્રિપ્ટ છે. અને ૧૩૦૨ વર્ષ પછી તે બ્રિટન આવી રહી હોવાનો આનંદ છે. આ મહાન ખજાનાથી મોટા ભાગના લોકો અજાણ છે.’


