લંડનઃ કેટી મેક્કાબે માત્ર બે સપ્તાહની હતી ત્યારે તેની બોટિંગ કેરિઅર શરૂ થઈ હતી. તેના માતાપિતા ચાર વર્ષના સેઈલિંગ હનીમૂન પર નીકળ્યા હતા ત્યારે કેટીના જન્મ માટે તેઓ હવાઈમાર્ગે બ્રિટન પહોંચ્યા અને જન્મ પછી ૧૫ દિવસે કેરેબિયન્સમાં તેમનું વિશ્વભ્રમણ પુનઃ શરૂ થઈ ગયું હતું. આજે ૧૪ વર્ષની કેટીએ એકલપંડે સૌથી નાની વયે હોડીમાં સફરનો વિશ્વવિક્રમ બનાવ્યો છે. તેણે બ્રિટનની ચારેય તરફ ૨૬ ફૂટ લાંબી લાકડાની હોડીમાં બે મહિનામાં ૧૬૦૦ નોટિકલ માઈલ એટલે કે ૨,૯૦૦ કિલોમીટરનું ચક્કર માર્યું છે. અગાઉ આ રેકોર્ડ એઈલ્સબરીના ૧૫ વર્ષના ટિમોથી લોન્ગના નામે હતો, જે એક વર્ષ પહેલાં જ સર્જાયો હતો.
દુનિયામાં મોટા ભાગના ટીનએજર્સ મોબાઈલ ફોનમાં, રમવામાં કે ઘરમાં પોતાનો સમય વીતાવે છે ત્યારે ટોપશામ, ડેવોનની ૧૪ વર્ષીય સ્કૂલ ગર્લ કેટી મેકકાબેએ અનોખુ સાહસ દર્શાવી વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. તેણે આ સફરની શરૂઆત ૩૦ જૂને કરી હતી. આશરે બે મહિનાની આ રોમાંચક સફરમાં મુશ્કેલીઓનો સામનો કરવામાં તેને પિતા ડેવિડે મદદ કરી હતી. તેમણે જ કેટીને દરેક મુશ્કેલીનો સામનો કરતા શીખવ્યું છે.
કેટી કહે છે કે ‘સૌથી વધુ મુશ્કેલીઓ રાતના સમયે આવતી હતી. મારા પિતા ડેવિડ આ પ્રવાસને લઈને બહુ ચિંતિત હતા. તેથી તેઓ બીજી એક હોડીમાં પાંચ માઈલ દૂર મારી પાછળ રહેતા હતા. હું ગરમીના દિવસોમાં પ્રવાસે નીકળી હતી, જે ઘણું પડકારજનક હતું. ગરમીના દિવસોમાં સમુદ્ર ખૂબ ખતરનાક બની જાય છે. સ્કોટલેન્ડમાં તો ૧૭૦ નોટિકલ માઈલ પાર કરવા સતત ૩૨ કલાક લાંબો પ્રવાસ કરવો પડ્યો. ત્યાં ૩ મીટર ઊંચા મોજાંથી મારો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો.’
કેટી પિતા ડેવિડનો આભાર માનતા કહે છે કે મારા પિતા હોડી બનાવવાના વ્યવસાયમાં છે. મારાં માતા હેઝલ અને પિતા ડેવિડ મેક્કાબેને સમુદ્ર સફરનું ઝનૂન છે. આ જ કારણથી બંનેએ લગ્ન પછી એટલાન્ટિક પાર કરવાની યોજના બનાવી હતી. આ માટે તેમણે બોટ ટ્રિપનો વ્યવસાય પણ વેચી દીધો હતો. પછી તેમણે ૧૪,૦૦૦ માઈલની સફર પૂરી કરી. તેમના ઝનૂનના કારણે મેં પણ આવુ કંઈક કરવા વિચાર્યું. આ માટે મોર્ગન જાઈલ્સે ૧૯૫૦માં બનાવેલી હોડીને એક વર્ષની મહેનત પછી ફરી બનાવી હતી. કેટીએ આ પ્રવાસમાં સી શેફર્ડ યુકે સંસ્થા માટે ૧૫,૦૦૦ પાઉન્ડથી વધુ ભંડોળ એકત્ર કર્યું હતું.


