દાઉદ ઇબ્રાહીમના કાળા કારોબાર સાથે સંકળાયેલી સંપત્તિ દુનિયાના ચાર મહાદ્વીપ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે દુબઈ સ્થિત અલ મન્સૂર વીડિયો અને કરાચી સ્થિત સાદાફ ટ્રેડિંગ કંપની પર દાઉદનો કબજો છે. આ બંને કંપનીઓ એશિયા, યુરોપ અને અમેરિકામાં ભારતીય ફિલ્મોની પાઇરેટેડ સીડી વેચે છે. તેમનું સૌથી મોટું બજાર ભારત છે. ૧ બિલિયન ડોલરના આ ધંધા પર ૭૦ ટકા ભાગ સાદાફ કંપનીના કબજામાં છે.
આમ તો દાઉદનો કાળો કારોબાર બ્રિટનમાં જ નહીં, પણ દુનિયાના ડઝનભર દેશમાં ફેલાયેલો હોય એવું મનાય છે. દાઉદની બેનામી સંપત્તિ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, યુકે, જર્મની, તુર્કી, ફ્રાન્સ, સ્પેન, મોરક્કો, સાયપ્રસ, યુએઈ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિત ૧૬થી વધુ દેશોમાં પથરાયેલી છે, જેમાં • ઓસ્ટ્રેલિયામાં રોલિન્સ સાઉથપોર્ટ એટ વન ટ્રસ્ટની પ્રોપર્ટી • દુબઈમાં હીરાનો કારોબાર, હોટલ, ડાન્સ બાર, શોપિંગ કોમ્પલેક્સ અને મંખુલ એરિયામાં પ્રોપર્ટી • સાયપ્રસમાં સેન્ટ જ્યોર્જ ખાતે એક વિલા, એક હોટલ • તુર્કીના એડિન વિસ્તારમાં આઠ પ્લોટ • આફ્રિકામાં હીરાનો વેપારનો સમાવેશ થાય છે.
બ્રિટનમાં ડોન દાઉદની પ્રોપર્ટી
કહેવાય છે કે દાઉદની સૌથી વધારે સંપત્તિ બ્રિટનમાં જ છે. બ્રિટનમાં દાઉદની ૧૫ સંપત્તિઓને જપ્ત કરવા માટે ત્યાંની સરકાર પર દબાણ કરવામાં આવ્યું હતું. ભારતની તરફથી પણ ડોઝિયર આ સંબંધે બ્રિટિશ સરકારને મોકલવામાં આવ્યું હતું. વારવિકશાયર અને ડાર્ટફોર્ડમાં હોટેલ, રોમ્પ્ટન હાઈ સ્ટ્રીટ, લંડનમાં દુકાન અને એપાર્ટમેન્ટ, રીડિંગમાં અલ્ડરમાસ્ટન પાર્કમાં પ્રોપર્ટી, લંડનમાં સેન્ટ સ્વિથિંસ લેન, રોમ્પ્ટન હાઈ સ્ટ્રીટ, રિચમંડ રોડ, સેન્ટ જોનવૂડ રોડ, સાઉથ રુસિલ્ફમાં ગ્રેટ સેન્ટ્રલ એવેન્યુ, એસેક્સમાં હરબર્ટ રોડ, હોર્ન ચર્ચ, ઈલ્ફર્ડમાં રિચમોંડ રોડ, ડાર્ટફોર્ડમાં સ્પીટલ સ્ટ્રીટ, ચિગવૈલમાં ટોમ્સવૂડ રોડ, હેનોલ્ટમાં વૂડહાઉસ, ન્યૂ નોર્થ રોડ સહિતના સ્થળોએ દાઉદની બેનામી પ્રોપર્ટી હોવાનું કહેવાય છે.