૧૯ વર્ષનો બિઝનેસ ટાયકુનઃ અક્ષય રુપારેલિયા

Wednesday 08th November 2017 07:30 EST
 
 

લંડનઃ હેરોમાં રહેતો અક્ષય રુપારેલિયા છે તો માત્ર ૧૯ વર્ષનો અને હાલ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પણ બ્રિટનના રિઅલ એસ્ટેટ બિઝનેસમાં તેનું નામ સહુ કોઇના હોઠે છે. અક્ષય તાજેતરમાં જ દુનિયાનો સૌથી યુવાન એન્ટરપ્રેન્યોર બન્યો છે, જેણે માત્ર ૧૬ મહિનામાં અબજો રૂપિયાનો બિઝનેસ કરીને કરોડો રૂપિયાનો નફો રળ્યો છે. આજે તેની કંપની doorsteps.co.uk બ્રિટનની ૧૮મી સૌથી મોટી રિઅલ એસ્ટેટ એજન્સી બની છે અને એક વર્ષમાં તો તેનું મૂલ્ય અધધધ વધીને ૧૨ મિલિયન પાઉન્ડના આંકડાને આંબી ગયું છે. તેણે એક વર્ષમાં ૧૫૦૦થી વધુ પ્રોપર્ટીના સોદા કર્યા છે.
આ બિઝનેસને સંભાળવા માટે હવે તેણે ઓક્સફર્ડમાંથી ઈકોનોમિક્સ એન્ડ મેનેજમેન્ટ ભણવાની યોજના પડતી મૂકી છે. સૌથી વધુ રસપ્રદ બાબત એ છે કે અક્ષયે પ્રોપર્ટી વેચવાનો સૌથી મોટો સોદો સ્કૂલમાં લંચ બ્રેક દરમિયાન જ ફાઇનલ કર્યો હતો.

એક વિચારમાંથી બિઝનેસ

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક અક્ષયનો જન્મ બ્રિટનમાં જ થયો છે. તેના પિતા કૌશિકભાઇ કેર વર્કર છે જ્યારે માતા રેણુકાબહેન દિવ્યાંગ બાળકોને ભણાવવાનું કામ કરે છે. લંડનના બાર્નેટ વિસ્તારમાં આવેલી એલિઝાબેથ હાઇ સ્કૂલમાં અભ્યાસ કરનાર અક્ષયે જોયું કે માતા-પિતાને ઘરખર્ચ ઉઠાવવા માટે તેમજ બન્ને સંતાનોને ભણાવવા માટે બે-બે જોબ કરવી પડે છે. આ દરમિયાન તેના ધ્યાન પર આવ્યું કે બહારથી આવતા લોકોને મકાન મેળવવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. તેણે કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે પ્રોપર્ટી એડવાઇઝર સારું મકાન અપાવવા માટે તોતિંગ ફી વસૂલે છે. આમાંથી તેને ઓનલાઇન રિઅલ એસ્ટેટ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો.

માતા-પિતાનું માર્ગદર્શન અને મદદ

તેણે પોતાના આ અનોખા આઇડિયા વિશે માતા-પિતા સાથે ચર્ચા કરીને તેમની પાસેથી સાત હજાર પાઉન્ડ ઉધાર મેળવ્યા. આ પછી તેણે કંપનીનું નામ નક્કી કર્યું ડોરસ્ટેપ અને લાયસન્સ લીધું. વેબસાઇટની ડિઝાઇન તૈયાર કરાવી. સ્કૂલેથી ઘરે પહોંચતા જ તે વેબસાઇટને પ્રમોટ કરવાના કામે લાગી જતો હતો. ધીરે ધીરે લોકોને તેની કંપની વિશે જાણકારી મળવા લાગી. સારી સર્વીસ અને ઓછા ચાર્જીસના કારણે ‘ડોરસ્ટેપ’ લોકોની પહેલી પસંદ બની.

અનોખી બિઝનેસ સ્ટ્રેટેજી

ઓછા નફે વધુ ધંધો કરવાની બિઝનેસ સ્ટ્રેટેજીએ અક્ષયની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બ્રિટનમાં અન્ય રિઅલ એસ્ટેટ એજન્સીઓ એક પ્રોપર્ટી વેચવા માટે ૧૦ હજાર પાઉન્ડ જેવી તોતિંગ ફી ચાર્જ કરતી હતી. જ્યારે અક્ષયે આ ફી ઘટાડીને દસમા ભાગની કરી નાખી. ડોરસ્ટેપ માત્ર ૯૯ પાઉન્ડ ચાર્જ કરતી હતી. એક વર્ષમાં જ કંપનીએ આશરે એક બિલિયન રૂપિયાનો તગડો બિઝનેસ કર્યો. અને લગભગ ૨૦ મિલિયન રૂપિયાનો નફો કર્યો. ડોરસ્ટેપના માધ્યમથી તેણે સૌથી મોંઘા મકાનનો સોદો નોટિંગ હિલ વિસ્તારમાં કરાવ્યો, જેની કિંમત ૧૩ કરોડ રૂપિયા હતી.

બહેનના મિત્રે કરી મદદ

ડોરસ્ટેપના માધ્યમથી બિઝનેસ શરૂ કર્યો તો અક્ષય સામે સૌથી મોટો પડકાર એ હતો સારી પ્રોપર્ટી કે જેના માલિક તે વેચવા માગતા હોય. આ સાથે જ વેબસાઇટ પર મૂકવા માટે પ્રોપર્ટીના ફોટોગ્રાફ્સ પણ જોઇએ. આ સમયે અક્ષયની મદદે તેની બહેનનો મિત્ર પ્રાશ ઠકરાર આવ્યો. પ્રાશ અક્ષયને પોતાની કારમાં સાઇટ પર લઇ જતો હતો જેથી તેને ફોટોગ્રાફ પણ આસાનીથી મળવા લાગ્યા.

સ્કૂલે પહોંચતા જ ખરીદારોના ફોન

સ્કૂલમાં જ્યારે અક્ષયનો ક્લાસ ચાલતો હોય ત્યારે તેને પ્રોપર્ટીના ખરીદદારોના સતત ફોન આવતા હતા, પરંતુ તે ટીચરના ડરથી ફોન ઉઠાવતો નહોતો. તે લંચ બ્રેકમાં કે સ્કૂલ સમય બાદ ક્લાયન્ટ્સને કોલ બેક કરતો હતો. આ પછી તેણે એક કોલ સેન્ટર તૈયાર કર્યું, જેમાં તેણે ઘરે જ રહેતી શિક્ષિત બહેનોને જોબ આપી. આ બહેનોનું કામ સંભવિત પ્રોપર્ટી ખરીદદારોના પ્રશ્નોના જવાબ આપવાનું હતું. અક્ષય માને છે કે બહેનો જેટલું ઘરને સમજી શકે એટલું બીજું કોઇ સમજી શકે નહીં. આજે અક્ષયની કંપનીમાં ૨૫ કર્મચારી કામ કરે છે.

પ્રેરણાસ્રોત ઓ’લેરી

અક્ષયને તેના સ્કૂલના મિત્રોએ એલન શુગર (બ્રિટિશ બિઝનેસ ટાયકૂન) ઉપનામ આપ્યું છે. અક્ષય કહે છે મને બિઝનેસની પ્રેરણા રાયનએરના ફાઉન્ડર માઈકલ ઓ’લેરીની બાયોગ્રાફીમાંથી મળી. લેરીએ ફક્ત ૪૩૧ રૂપિયામાં ફ્લાઇટની ટિકિટ વેચવાની શરૂઆત કરી હતી. તેમનો મંત્ર હતો કે જ્યારે ગ્રાહકોને ઓછામાં ઓછા ભાવે સારી સર્વીસ આપીએ તો સફળતા નક્કી જ હોય છે એટલા માટે મેં પણ ઓછા બ્રોકરેજ પર સોદો કરવાની શરૂઆત કરી.
અક્ષય કહે છે કે મોટાં શહેરોના એજન્ટોએ પૈસા કમાવા સિવાય કંઈ કર્યું નથી. જોકે આ ક્ષેત્રે ઘણું ઇનોવેશન થઈ શકે છે. તેમની કંપની લગભગ ૮૭૦ કરોડ રૂપિયાનાં મકાન વેચી ચૂકી છે અને બીજી બાજુ એક હજારથી વધુ પ્રોપર્ટી તેની સાઇટ પર રજિસ્ટર્ડ છે.

ભણવામાં પણ અવ્વલ

જ્યારે બિઝનેસ શરૂ કર્યો તે સમયે અક્ષયની પરીક્ષા ચાલી રહી હતી. તેણે ટાઇમ મેનેજમેન્ટ કર્યું અને બન્ને મોરચે ઝળહળતો દેખાવ કર્યો. રિઝલ્ટ જાહેર થયું ત્યારે તેણે મેથ્સ, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી અને પોલિટિક્સ અને ફિઝકલ સ્ટડીઝમાં ‘એ’ ગ્રેડ મેળવ્યો હતો. અક્ષય યુવા પેઢીને સલાહ આપે છે કે આકરી મહેનતથી કોઇ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter