૨૦ વર્ષની વયે વિન્ટેજ રોલ્સ રોઈસનો માલિક રોજનું ૮૦ પાઉન્ડનું પ્રીમિયમ ચૂકવે છે

Tuesday 29th December 2020 04:07 EST
 
 

લંડનઃ લેસ્ટરશાયરના મેલ્ટન નજીક ગ્રેટ ડાલ્બીમાં રહેતા ૨૦ વર્ષીય મોટરિંગ જર્નાલિસ્ટ અને રેડિયો ડીજે કોરમાક બોયલાને વિન્ટેજ રોલ્સ રોઈસ કાર ખરીદી છે. આટલી નાની વયે આટલી મોટી ખરીદી?! સહુ કોઇની આંખ પહોળી થઇ ગઇ છે, પરંતુ તે મગનું નામ મરી પાડતો નથી. તે કોઇને ખરીદ કિંમત જણાવવા તૈયાર નથી, પરંતુ તે આ વિન્ટેજ કાર માટે દૈનિક ૮૦ પાઉન્ડનું જંગી પ્રીમિયમ ચૂકવી રહ્યો છે. લોકો માનવા તૈયાર નથી કે આટલી નાની વયે રોલ્સ રોઈસ તેની માલિકીની હોય શકે, પરંતુ કોરમાકને તેનાથી કોઇ ફરક પડતો નથી.
કોરમાકે પોતાની નોકરીઓ તેમજ ક્લાયન્ટ્સ વતી વિન્ટેજ કાર્સના વેચાણના સાઈડ બિઝનેસમાંથી થયેલી આવક બચાવીને ૧૯૮૯ મોડેલની રોલ્સ રોઈસ સિલ્વર સ્પીરિટ કાર ખરીદી છે. તે કહે છે કે ‘મારી નોકરીઓમાં ફેરારીથી માંડીને લેમ્બર્ગિની સહિત તમે નામ ઉચ્ચારો તે કાર ચલાવી છે. મારા બે ગાઢ મિત્રો રોલ્સ રોઈસ કારના માલિક હતા આથી વર્ષના પ્રારંભે મેં પણ વિચાર્યું હતું કે હું પણ એક દિવસ આ કાર ખરીદીશ. રોલ્સ રોઈસ વિશ્વમાં સૌથી લક્ઝરી કારના નિર્માતા છે અને મને થયું કે ૨૦ વર્ષની વયે રોલ્સ રોઈસના માલિક હોવાની વાત કેટલા લોકો કહી શકે?’
કોરમાક કાર કેટલી કિંમતે આ ખરીદી તેનો આંકડો તો આપતો નથી પરંતુ એટલું અવશ્ય જણાવે છે કે કાર ચલાવવામાં અત્યાર સુધી હજારો પાઉન્ડ ખર્ચાઈ ગયા છે. તેણે પોતાની રોલ્સ રોઈસનો વીમો દૈનિક ૮૦ પાઉન્ડના પ્રીમિયમ દરે ઉતરાવ્યો છે. કારની ખરીદી બાદ તેને ૨૦૦ પાઉન્ડના એક એવા બે નવા ડ્રાઈવ બેલ્ટ્સ અને ૧,૦૦૦ પાઉન્ડની કિંમતે ચાર નવા ટાયર પણ ખરીદવા પડ્યા છે. આ ઉપરાંત, છ મહિના માટે ૨૫૦ પાઉન્ડનો રોડ ટેક્સ પણ ચૂકવવો પડ્યો છે.
કોરમાકે મેન્સફિલ્ડથી ખરીદેલી આ રોલ્સ રોઈસ કાર ભારે ગેસ પીનારી છે કારણ કે એક ગેલન ગેસમાં તે માત્ર ૧૨ માઈલનું અંતર કાપે છે
અને તેની ટાંકી ફૂલ કરાવવા ૧૧૦ પાઉન્ડનો ખર્ચ થાય છે, જે જરા પણ સસ્તું નથી. કાર ખરીદી ત્યારે ઘરે પહોંચી શકાય તે માટે અડધી ટાંકી વેચાણકારોએ ભરી આપી હતી અને તે મેલ્ટન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં તો કારમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા.
કોરમાક સ્વીકારે છે કે ૨૦ વર્ષના નવયુવાન માટે રોલ્સ ચલાવવી તે સામાન્ય નથી અને ઘણા લોકો આ કાર તેણે પોતે ખરીદી હોવાનું માનતા નથી અથવા તો એમ પણ વિચારે છે કે કાર તેની નથી. કોરમાક કહે છે કે, ‘કારની માલિકી મારી જ છે અને તેને મેં ખરીદી છે તેની સાબિતી
માટે હું ગ્લોવબોક્સમાં તેના દસ્તાવેજો સાથે લઈને ફરું છું.’
કોરમાક મોટા ભાગના પ્રવાસ માટે પોતાની માલિકીની અન્ય કાર વોક્સોલ કોરસાનો ઉપયોગ કરે છે. કોરમાકને રોલ્સ રોઈસ હંકારતો જોઈને લોકોના મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા છે. હવે કોરમાક બીજી રોલ્સ ખરીદવાનું અથવા ૨૦૨૧ના ઉત્તરાર્ધમાં હાલની કારના બદલામાં વિન્ટેજ બેન્ટલી કાર લેવાનું પણ વિચારી રહ્યો છે. તે જે કાર ખરીદે છે અથવા હંકારે – ટેસ્ટ ડ્રાઈવ કરે છે તેના રિવ્યૂ પણ પોતાની યુટ્યૂબ ચેનલ ‘Cormac on Cars’ પર રજૂ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter